દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ સામાન્ય ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગઈકાલે બુધવારે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જબરો રાજકીય માહોલ છવાયો હતો. જેમાં ખંભાળિયા નગરપાલિકાની વોર્ડ નંબર 6 ની આખી પેનલ સહિત કુલ 5 બેઠક અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની એક-એક બેઠક બિનહરીફ થવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની યોજાનારી સામાન્ય ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણી બાદ જિલ્લા પંચાયતની 22 બેઠક માટે 73, તેમજ ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકા પંચાયતની કુલ 80 બેઠક માટે 243 તેમજ ખંભાળિયા અને રાવલ નગરપાલિકા માટે 149 તથા સલાયા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણી માટે 3 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા.
આ વચ્ચે બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 41 ફોર્મ પરત ખેંચાયા હતા. આ પરિસ્થિતિમાં ખંભાળિયા તાલુકા પંચાયતની હર્ષદપુર-1 બેઠક પર દીપનાબેન નકુમ, ખંભાળિયા તાલુકા પંચાયતની લાલપરડા બેઠક માટે રેખાબેન ચાવડા, ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની ભાજપની આખી પેનલમાં મેઘાબેન વ્યાસ, કિરણબેન ઘઘડા, મનીષ નકુમ અને મોહિત મોટાણી તેમજ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં સીમાબેન પ્રભાતભાઈ ચાવડા બિનહરીફ વિજેતા થયા છે.
આ સાથે ખંભાળિયા તાલુકા પંચાયતમાં 24 પૈકી 22 બેઠકો માટે મતદાન થશે. ભાજપ દ્વારા કરવામાં આવેલી રણનીતિના ફળ સ્વરૂૂપે કુલ સાત બેઠક બિનહરીફ થવા પામી છે. ખંભાળિયા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા પરિસ્થિતિમાં નવા વણાંક જોવા મળી રહ્યા છે. આ વચ્ચે આપદ્વારા તેમના ઉમેદવારોને રાજકીય તોડ-જોડ થી દૂર રાખવા અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. મજબૂત પરિસ્થિતિ વચ્ચે ભાજપ સાથે આપ અને કોંગ્રેસ દ્વારા પણ જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ: 420 ઉમેદવારો મેદાનમાં
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી પૂર્વે ગઈકાલે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે 8 ફોર્મ, ખંભાળિયા અને રાવલ નગરપાલિકામાં કુલ 12 ફોર્મ, જિલ્લાની તમામ ચાર તાલુકા પંચાયતમાં કુલ 21 ફોર્મ મળી તમામ ચાર ચૂંટણીમાં 41 ફોર્મ પરત ખેંચાયા છે. આ પરિસ્થિતિમાં હવે ચૂંટણી જંગમાં કુલ 420 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
