રાજકોટના પોપટપરા વિસ્તારમાં સામાન્ય ગણાતી વાહન પાર્કિંગની બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ હિંસક વળાંક લીધો હોવાની ઘટના સામે આવી છે. પોપટપરા શેરી નંબર 3/5 ના ખૂણે રહેતા નિશાબેન સંજયભાઈ ગેડાણી (ઉં.વ. 25) નામની મહિલા પર તેમની જ સામે રહેતી પાડોશી મહિલાએ તાળા વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં નિશાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગતો મુજબ, રવિવારે બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ આ વિવાદ સર્જાયો હતો. નિશાબેનના સસરા રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે પોતાની રિક્ષા શેરીમાં પાર્ક કરી હતી, જે નિશાબેનની સામેના મકાનમાં ભાડે રહેતા કોમલબેનના ઘરની સામે આવતી હતી. કોમલબેને આ રિક્ષા ત્યાંથી હટાવી લેવા બાબતે નિશાબેન અને તેમના પરિવાર સાથે તકરાર શરૂ કરી હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા કોમલબેને નિશાબેન પર તાળાનો છૂટો ઘા કર્યો હતો. આ પ્રહાર સીધો નિશાબેનના માથામાં વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા.
ભોગ બનનાર નિશાબેનના પરિવારની સ્થિતિ જોઈએ તો, તેમના પતિ સંજયભાઈ સ્થાનિક કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે અને તેમને સંતાનમાં બે નાની દીકરીઓ છે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં પાડોશીના આવેશને કારણે આજે હોસ્પિટલના બિછાને રહેવાનો વારો આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે અને હુમલો કરનાર પાડોશી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
