શહેરમાં મોચીનગર વિસ્તારમાં અગાસી પરથી નોનવેજના ટૂંકડા નાખવા મુદ્દે નિવૃત જમાદારના પત્નીએ ઠપકો આપતા પાડોશી મહિલાઓએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોચીનગરમાં રહેતા સમજુબેન મામૈયાભાઇ દુદળ નામના 60 વર્ષના વૃધ્ધા રાત્રીના નવેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે સાહીદાબેન સહિતના અજાયણા શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં સમજુબેન દુદળને સંતાનમાં બે પુત્ર છે. સમજુબેનના પતિ નિવૃત જમાદાર છે. હુમલાખોર શખ્સ અગાસી પરથી સમજુબેનના ફળીયામાં નોનવેજના ટુંકડા નાખતા હતા. જે અંગે સમજુબેને ઠપકો આપતા સાહિદાબેન તેની પુત્રી અને પુત્રવધુ સહિતનાએ ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
