એઈમ્સ રાજકોટના જનરલ સર્જરી વિભાગે 12 વર્ષીય બાળકીના ડ્યુઓડેનમમાં ફસાયેલી તીક્ષ્ણ ધાતુની સોઈને મોટી સર્જરી વગર એન્ડોસ્કોપી દ્વારા સફળતાપૂર્વક બહાર કાઢી છે. સારવાર બાદ બીજા જ દિવસે બાળકીને સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી હતી.
મૂળ જૂનાગઢની રહેવાસી આ બાળકીએ થોડા દિવસ અગાઉ અકસ્માતે ધાતુની પિન ગળી લીધી હતી. પરિવારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરાવી હતી. એક્સ-રે અને સીટી સ્કેનમાં પેટના ઉપરના ભાગમાં ધાતુની વસ્તુ જોવા મળી હતી. વધુ સારવાર માટે બાળકીને એઈમ્સ રાજકોટ લાવવામાં આવી.
સર્જરી ઓ.પી.ડી.માં તપાસ દરમિયાન જણાયું કે સોઈ ડ્યુઓડેનમમાં (નાના આંતરડાના બીજા અને ત્રીજા ભાગના જોડાણના સ્થળે) ફસાયેલી હતી. બાળકીને સતત પેટમાં દુખાવો થતો હતો. પિન લાંબા સમય સુધી અંદર રહે તો ગંભીર ઈજા થઈ શકે તે માટે નિષ્ણાત તબીબોએ એન્ડોસ્કોપી દ્વારા તેને કાઢવાનો નિર્ણય લીધો.
સર્જરી વિભાગના વડા ડો. મિનેશ સિંઘલ અને ડો. પ્રિયંકા આનંદકા દ્વારા આ જટિલ પ્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી. એનેસ્થેસિયા વિભાગની ટીમનો પણ મહત્ત્વપૂર્ણ સહયોગ રહ્યો. એન્ડોસ્કોપી દરમિયાન પિનને જરૂૂરી સાવચેતી સાથે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. પેટમાં ચીરો મૂકીને મોટું ઓપરેશન કરવાની જરૂૂર પડી નહોતી.
પ્રક્રિયા બાદ બાળકીની તબિયત સ્થિર રહી. 6 કલાક પછી પ્રવાહી આહાર શરૂૂ કરવામાં આવ્યો અને ધીમે ધીમે સામાન્ય આહાર આપવામાં આવ્યો. કોઈ જટિલતા જોવા મળી નહોતી. બીજા જ દિવસે બાળકીને સંપૂર્ણ સ્વસ્થ અને ખુશખુશાલ સ્થિતિમાં રજા આપવામાં આવી.
