વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન બનાસકાંઠામાં બનાસ ડેરીના સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત તેઓ કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે સવારે 9 વાગ્યે ડીસા પહોંચવાના છે. ત્યાંથી હેલિકોપ્ટર મારફતે આશરે 25 કિલોમીટર દૂર આવેલા ભીલડી જશે. સવારે 10 વાગ્યે ભીલડી ખાતે બનાસ ડેરીના અત્યાધુનિક સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ છે. આ કેન્દ્ર પશુપાલન અને ડેરી ક્ષેત્રે સંશોધન માટે મહત્વપૂર્ણ બની રહેવાની અપેક્ષા છે.બનાસકાંઠાના કાર્યક્રમ બાદ વડાપ્રધાન બપોરે 2 વાગ્યે અમદાવાદ પહોંચે તેવી વિગતો મળી છે. અમદાવાદમાં અંદાજે બે કલાક રોકાણનો કાર્યક્રમ છે. આ દરમિયાન ભાજપના કેટલાક આગેવાનો સાથે બેઠક યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા થઈ શકે છે.
અમદાવાદના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સાંજે 5 વાગ્યાની આસપાસ કેવડિયા જવા રવાના થાય તેવી માહિતી છે. કેવડિયામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાશે.
વડાપ્રધાન મોદી એકતા દિવસની પરેડ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નવા નિમાયેલા પ્રોબેશનરી આઇએએસ અધિકારીઓના કાર્યક્રમમાં હાજરી આપી તેમને માર્ગદર્શન આપવાનો પણ કાર્યક્રમ છે. સાંજે વડાપ્રધાન વડોદરાથી વિશેષ વિમાન મારફતે દિલ્હી જવા રવાના થશે.
