નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ભૂમાફિયા અલ્પેશ દોંગાએ પડાવી લીધેલી જમીન મુક્ત કરાવાવ્યા બાદ 35 ખેડૂતોની મુક્તયેલી 500થી વધુ વિઘા જમીનના દસ્તાવેજો ખેડૂતોને પરત સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોએ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાને બદલે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ અને વ્યાજખોરોના વિષચક્ર સામે સાવચેત રહેવું જોઈએ. દર વખતે સેકર મદદ નહી કરે તેની ટકોર કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરી કરતા દૂષણખોરો સામે ’આરપારની લડાઈ’ લડવાનો ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજકોટ પોલીસે 35 ખેડૂતોની અંદાજે 100 કરોડથી વધુ રકમની જમીન પરત અપાવવામાં ઐતિહાસિક સફળતા મેળવી છે.
દેશના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને જમીનો પરત અપાવવાનો આ પ્રથમ કિસ્સો છે. સાથે જ, નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોને અપીલ કરી હતી કે, વ્યાજખોરોને હંમેશા પોલીસ અને કાયદાનો ભય રહેવો જોઈએ. ખેડૂત પોતાની આખી જિંદગી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે. મુશ્કેલીના સમયે વ્યાજે લીધેલા નાણાં સામે વિશ્વાસઘાત કરીને વ્યાજખોરો અને ભૂમાફિયાઓ ખેડૂતોની જીવનભરની મૂડી સમાન જમીનો કબ્જે કરી લેતા હોય છે.
ખેડૂતોએ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાને બદલે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ અને વ્યાજખોરોના વિષચક્ર સામે સાવચેત રહેવું જોઈએ. દસ્તાવેજોમાં જો સહી કરતી વખતે સાવચેતી ન રાખવામાં આવે તો ભવિષ્યમાં ન્યાય અપાવવો ખૂબ મુશ્કેલ બને છે. તેમણે દર વખતે સેકર મદદ નહી કરે તેની ટકોર કરી હતી.
‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીના સહયોગથી ભૂમાફિયાઓ તેમજ વ્યાજખોરો સામે ચલાવાયેલી કડક ઝુંબેશના ભાગરૂૂપે, દગાબાજી અને છેતરપિંડીથી પડાવી લેવાયેલી 35 જેટલા ખેડૂતોની અંદાજે રૂૂ.100 કરોડની 500થી વધુ વિઘા જમીનના 55 દસ્તાવેજો મૂળ માલિક ખેડૂતોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, લોકોમાં આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો દૂર કરી 700થી વધુ લોકોને કાઉન્સેલિંગ દ્વારા નવું જીવન પૂરું પાડનારી રાજકોટ ગ્રામ્ય પોલીસની વિશેષ પહેલ ‘પ્રેરણા- નવા જીવનની’ અહેવાલનું પણ આ તકે નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પૂર્વે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની સ્વાગત વિધિ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવી હતી તેમજ આભારવિધિ મદદનીશ પોલીસ અધિક્ષક, ધોરાજી ડિવિઝન સીમરન ભારદ્વાજે કરી હતી. આ તકે જમીન પરત પ્રાપ્ત કરનારા ખેડૂતોએ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગનો વિશેષ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચનમાં અગ્રણી દિનેશભાઈ બાંભણિયાએ રાજકોટ જિલ્લા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય સર્વે ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, ઉદયભાઈ કાનગડ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા સહિતના પદાધિકારીઓ, રાજકોટ રેન્જ આઈજી નિર્લપ્ત રાય, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો સહભાગી થયા હતા.
