સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો સપાટો, ગિરનાર ઉપર 5.9 અને રાજકોટમાં 9.4 ડિગ્રી ઠંડી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સતત પાંચમાં દિવસે ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા નલિયા અને અમરેલીમાં પારો સિંગલ ડિઝીટમાં પહોંચી જતા લોકોએ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયામાં આજે ન્યુનતમ તાપમાન 4.8 ડિગ્રી સે., અમરેલીમાં 8.6 અને રાજકોટમાં 9.4 ડિગ્રી સે. નોંધાયું હતું. આ સિવાય ભુજમાં તાપમાનનો પારો 11.2 ડિગ્રી સે. રહ્યો હતો. જુનાગઢમાં ગિરનાર ઉપર પણ 5.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે અમદાવાદમાં 11.7, બરોડામાં 14, ભાવનગરમાં 13.8, ડિસામાં 10.1, કંડલામાં 11.9 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું.
દરમિયાન, હવામાન વિભાગે પણ આગામી 20 જાન્યુઆરી સુધી ઠંડીથી કોઇ રાહત ન મળવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાનો અનુમાન છે.
ગુજરાતમાં હાલ મોટાભાગના જિલ્લામાં દિવસનું તાપમાન 30 ડિગ્રીથી નીચે ગયું છે તો રાત્રિનું તાપમાન 15 ડિગ્રીથી નીચે ગયું છે. આગામી 20 જાન્યુઆરી સુધી આ તાપમાનની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે જેના કારણે આગામી દિવસોમાં ઠંડીની સ્થિતિ પણ યથાવત રહેશે એટલે કે 20 જાન્યુઆરી સુધી સારી ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે, નોંધનિય છે કે, ગુજરાતમાં આ વર્ષે ડિેસમ્બરમાં નહિવત ઠંડી પડી હતી જો કે જાન્યુઆરીની શરૂૂઆતથી શિયાળે જમાવટ કરી છે. જ્યાં સુધી ઉત્તર ભારતના ઠંડા પવનને અવરોધતું કોઇ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ નહિ સર્જાઇ ત્યાં સુધી ઠંડા પવન આવતા જ રહેશે અને ગુજરાતમાં ઠંડી પડતી રહેશે,ઉલ્લેખનિય છે કે, ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા થઇ રહી છે અને કોલ્ડવેવની સ્થિતિ છે. જેની અસરથી ગુજરાતમાં સારી ઠંડી પડી રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું…દિવસભર ફૂંકાયેલા પવનના કારણે ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે.
