ચિત્તલમાં નાયબ મામલતદારના માતાની હત્યા મામલે ઘેરાતું રહસ્ય, ઘરના જ ઘાતકી કે અન્ય?

ચિતલના જશવંતગઢપરામા આજે એક વિપ્ર પ્રૌઢા પોતાના ઘરે એકલા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના ગળા પર તિક્ષણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી…

ચિતલના જશવંતગઢપરામા આજે એક વિપ્ર પ્રૌઢા પોતાના ઘરે એકલા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના ગળા પર તિક્ષણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી. ઘરમાથી લુંટ કે ચોરી થઇ ન હોય અને પરિવારને કોઇ સાથે વિખવાદ ન હોય હત્યાના કારણ અંગે ઘેરૂૂ રહસ્ય સર્જાયુ છે.


હત્યાની આ ઘટના અમરેલી તાલુકાના ચિતલ ખાતે જશવંતગઢપરામા લીમડાવાળી શેરીમા રાજગોર ફળીમા બની હતી. જયાં પ્રભાબેન ભાનુશંકર તેરૈયા (ઉ.વ.55) નામના પ્રૌઢની કોઇ અજાણ્યા હત્યારાઓએ નિર્મમ હત્યા કરી નાખી હતી. તેમના પતિ ભાનુશંકર ભીમજીભાઇ તેરૈયા નિવૃત શિક્ષક છે અને આજે સવારે તેઓ પોતાની વાડીએ હતા. અને પ્રભાબેન ઘરે એકલા હતા ત્યારે આ ઘટના બની હતી.


હત્યારાએ પ્રભાબેન પર કોઇ તિક્ષણ હથિયારનો ગળાના પાછળના ભાગે એટલો જોરદાર પ્રહાર કર્યો હતો કે અડધુ ગળુ કપાઇ ગયુ હતુ. તેમની શેરીમા મોટાભાગના મકાન બંધ હાલતમા છે. અને શેરીમા પ્રભાબેન એકલા જ પોતાના ઘરે હતા. તેમણે શરીર પર પહેરેલા સોનાના દાગીના અને ઘરમા પડેલી રોકડ સહિતની માલમતા પણ અકબંધ હતી. વળી તેમના પરિવારને કોઇ સાથે અણબનાવ કે દુશ્મની ન હોય આ હત્યા કોણે કરી તે સ્પષ્ટ થઇ શકયુ ન હતુ. બનાવની જાણ થતા અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. એલસીબી, એફએસએલ અને ડોગ સ્કવોડ પણ તપાસમા જોડાયા બાદ હજુ સુધી હત્યારા અંગે કોઇ કડી મળી ન હતી.


પ્રભાબેનના પુત્ર રાજુભાઇ તેરૈયા અમરેલીમા નાયબ મામલતદાર છે અને પુરવઠા ઇન્સ્પેકટર તરીકે કામ કરે છે. તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો હોય પ્રભાબેન હાલમા તેમને ત્યાં જ રહેતા હતા અને છેલ્લા આઠ દિવસથી જ ચિતલ ગયા હતા. ઘટના સ્થળ આસપાસ કોઇ સીસીટીવી કેમેરા પણ ન હતા. થોડે આગળ બજારમા સીસીટીવી કેમેરા હોય તેની તપાસ કરાતા હત્યાના સમયગાળામા થોડા લોકો અને બાઇક ચાલકોની અવરજવર દેખાઇ હતી. જે પૈકી એક બાઇક ચાલક મોઢુ ન દેખાય તે રીતે હેલ્મેટ પહેરેલો હોય પોલીસે તેના પર તપાસ કેન્દ્રિત કરી છે. તસવીર: ભરત અમરેલીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *