જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો, ફૂટપાથ અને સરકારી જગ્યાઓ પર થયેલા દબાણોને દૂર કરવાની ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત સાધના કોલોની થી લઈને રણજીત સાગર રોડ સુધીના વિસ્તારમાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
શહેરના નાગરિકોને સુગમ અવરજવર મળી રહે અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા નિયમિતપણે દબાણ હટાવ કામગીરી કરવામાં આવે છે. આ ઝુંબેશના ભાગરૂૂપે ગઈકાલે સાંજે પણ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને જામનગર પોલીસ સિટી એ ડિવિઝન દ્વારા સંયુક્ત રીતે શહેરના મુખ્ય અને ભીડભાડવાળા વિસ્તારોમાં મેગા દબાણ હટાવ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંયુક્ત ઓપરેશન અંતર્ગત શહેરના બર્ધન ચોક, દરબાર ગઢ વિસ્તાર અને કાલાવડ નાકા બહાર સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં ખાસ કરીને ફૂટપાથ અને રોડની બાજુમાં કેટલાક વેપારીઓ દ્વારા રેકડીઓ, કાઉન્ટર ટેબલ અને અન્ય ચીજવસ્તુઓ મૂકીને દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
એસ્ટેટ શાખા અને સિટી એ ડિવિઝન પોલીસના સ્ટાફ દ્વારા ભારે બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણકર્તાઓને તાત્કાલિક દબાણ હટાવી લેવા માટે સૂચના આપવામાં આવી હતી, અને જ્યાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું ત્યાં સ્થળ પર જ કાર્યવાહી કરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આ ડ્રાઈવ દરમિયાન, જાહેર માર્ગો પર અનઅધિકૃત રીતે મૂકવામાં આવેલી કુલ 28 જેટલી રેકડીઓ અને 4 જેટલા કાઉન્ટર ટેબલ જપ્ત કરવામાં આવ્યા હતા. મહાનગર પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો અને ફૂટપાથ પર થયેલા દબાણોને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને રાહદારીઓ માટે ચાલવા માટે જગ્યા રહેતી નથી. આથી, શહેરના સૌ નાગરિકોના હિતમાં આવા દબાણો દૂર કરવા અત્યંત જરૂૂરી છે. આ કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે અને કોઈપણ જાહેર જગ્યા પર દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
શહેરના મુખ્ય વિસ્તારોમાં થયેલી આ દબાણ હટાવ કાર્યવાહીથી જાહેર માર્ગો અને ફૂટપાથ ખુલ્લા થયા છે, જેના કારણે વાહન વ્યવહાર અને રાહદારીઓની અવરજવર સરળ બની છે. મહાનગરપાલિકા દ્વારા શહેરને દબાણમુક્ત બનાવવા અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આવા પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં નાગરિકોનો સહકાર પણ અપેક્ષિત છે.
