મહાનગરપાલિકા અને રૂડા દ્વારા આવાસ યોજનાઓમાં ચેકિંગ હાથ ધરી હપ્તા ન ભરનાર અને આવાસ ભાડેથી આપેલા હોય તેવા લાભાર્થીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. એ અંતર્ગત આજરોજ ત્રણ આવાસ યોજનામાં ચેકિંગ દરમિયાન છ આવાસ ભાડેથી આપેલા હોવાનુ માલુમ પડતા ભાડુ આતને આવાસ ખાલી કરવાની સૂચના આપી આવાસ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી ઉધમસિંહ ટાઉનશીપ કુવાડવા રોડ પાસે, શ્રી લક્ષ્મણ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે તથા શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપ, વાવડી ગામ પાસે આવેલ આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા નીચે મુજબના આવાસો તા.03/10/2025 નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે. આવાસ યોજના વિભાગે આજે ઉધમસિંહ ટાઉનશીપ કુવાડવા રોડના ત્રણ તથા લક્ષ્મણ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટના બે અને લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપ વાવડી ગામ પાસેના એક આવાસ સીલ કર્યુ હતું.
