રાજકોટમાં સહકારી, ઔદ્યોગિક, શિક્ષણ, કલા અને સામાજિક ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરનાર આ શ્રેષ્ઠીઓને ’ગાંધી એવોર્ડ’ અર્પણ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સન્માનિત કરાયા હતા.જનરલ બોર્ડની સભામાં આ વિશેષ સન્માન સમારોહ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકપ્રતિનિધિઓના મંચ દ્વારા સમાજના અગ્રેસરોની પ્રશંસા કરવાનો હતો.
આ પ્રસંગે મેયર ડો. નેહલ શુક્લે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સભાગૃહ એ લોકતંત્રનું સાચું મંદિર છે. આવી પાવન અને ગરિમાપૂર્ણ જગ્યામાં એવોર્ડ આપવો એ સોનામાં સુગંધ ભળ્યા સમાન છે.
આ કાર્યક્રમમાં મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળિયા, ડેપ્યુટી મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના વરદ હસ્તે તમામ સાત મહાનુભાવોને શાલ ઓઢાડીને ’ગાંધી એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘ગાંધી એવોર્ડ’થી સન્માનિત સાત અગ્રણીઓ અને તેમનું યોગદાન
1. નરેશભાઇ પટેલ (ખોડલધામ): ખોડલધામના અગ્રેસર તરીકે તેઓ સમાજના આર્થિક અને સામાજિક વિકાસ માટે હંમેશાં કટિબદ્ધ રહ્યા છે. તેમનું નેતૃત્વ સમગ્ર રાજ્યમાં સમાજસેવા અને સંગઠનની દ્રષ્ટિએ પ્રેરણાદાયી રહ્યું છે.
2. મૌલેશભાઇ ઉકાણી (બાન લેબ): સામાજિક શ્રેષ્ઠી,જાણીતા દાતા તરીકે મૌલેશભાઇ ઉકાણીએ અનેકવિધ લોક ઉપયોગી કાર્યોમાં ઉદાર હાથે સહયોગ આપ્યો છે. આરોગ્ય અને સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન અનન્ય છે.
3. રામભાઇ મોકરિયા (પૂર્વ સાંસદ અને મારૂૂતિ કુરિયર): રાજકીય ક્ષેત્રે પૂર્વ સાંસદ તરીકે સેવા આપવાની સાથે-સાથે ઉદ્યોગ જગતમાં મારૂૂતિ કુરિયર દ્વારા મોટું નામ બનાવી વેપાર અને જનસેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
4. દિનેશભાઇ પાઠક(સહકારી આગેવાન) : સહકારી બેંકીંગ ક્ષેત્રના અગ્રણી અને નાગરિક બેંકના ચેરમેન તરીકે દિનેશભાઇ પાઠકે નાણાકીય અનુશાસન અને મધ્યમવર્ગના ઉત્થાન માટે નોંધપાત્ર બેંકીંગ સેવાઓ પૂરી પાડી છે.
5. ઇન્દિરાબેન શિંગાળા (’નારી રત્ન’): 84 વર્ષની પ્રૌઢ વયે પણ મહિલા શિક્ષણ અને મહિલાઓના ઉદ્ધાર માટે અથાક પ્રયત્નો કરનાર ઇન્દિરાબેન શિંગાળા સાચી અર્થમાં ’નારી રત્ન’ સાબિત થયા છે.
6. તેજસભાઇ શિંશાગિયા(કલા રત્ન): કલા ક્ષેત્રે ખૂબ જ નાની વયે પોતાની અદ્ભુત પ્રતિભાના બળે ’ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં બે વખત નોમિનેશન મેળવીને રાજકોટ અને ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે.
7. વિક્રમભાઇ સંઘાણી (નિયો ફાઉન્ડેશન): નિયો ફાઉન્ડેશનના માધ્યમથી સામાજિક અને માનવતાવાદી કાર્યોમાં સક્રિય યોગદાન આપી રહેલા વિક્રમભાઇ સંઘાણીના કાર્યોની સરાહના કરવામાં આવી હતી.
