ફ્લાવર બેડમાં હપ્તા સિસ્ટમ અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને મેદાન ફાળવણીનો માર્ગ મોકળો
મહાનગરપાલિકાની સ્પે.જનરલ બોર્ડ આજરોજ મળેલ અગાઉ તૈયાર થયેલ 11 દરખાસ્ત ઉપરાંત વધુ બે અરજન્ટ દરખાસ્ત મુકવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર થયેલ રેગ્યુલર 11 દરખાસ્ત મંજુર કર્યા બાદ ફલાવર બેડમાં હપ્તા સિસ્ટમ અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને મેદાન ફાળવણીની દરખાસ્ત મંજુર કરાઈ અરજન્ટ બોડ હોવાથી ફકત 10 મીનીટમાં શાસકપક્ષના સભ્યોએ વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ તમામ દરખાસ્તને મંજુરી આપતાં 15 મીનીટમાં બોડ આટોપી લેવામાં આવ્યું હતું.
મનપાના જનરલ બોડમાં અરજન્ટ દરખાસ્ત પૈકી બિલ્ડરોને રાજ્ય સરકારની સુચના મુજબ ફલાવર બેડની મોટી રકમમાં હપ્તા સિસ્ટમ કરવાની હતી. અગાઉ આ દરખાસ્તનો વિરોધ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલ પરંતુ ચૂંટાયેલ બોડીની સમય મર્યાદાનો આજે છેલ્લો દિવસ હોય આ દરખાસ્તને જનરલ બોર્ડમાં ઠરાવ કરી મંજુર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે વર્ષો પહેલા ટાઉન પ્લાનીંગ સ્કીમ અંતર્ગત નિર્મલા કોન્વેન્ટને મળેલ રમત ગમતના મેદાન માટેનો પ્લોટ પરત લેવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ પરંતુ કોર્ટે સ્કૂલની તરફેણમાં ચુકાદો આપતાં ના છુટકે કોર્પોરેશને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને રમત ગમતનો પ્લોટ ફાળવવાની દરખાસ્ત જનરલ બોડમાં લઈ મંજુર કરવામાં આવી હતી.
જનરલ બોર્ડમાં મુકવામાં આવેલ 11 દરખાસ્ત મુજબ વોર્ડ નં.03માં રેલનગર વિસ્તારમાં આવેલ રોણકીમાં આવેલ ઝઙ-38/1,80/100ના રોડ ઉપર એઇમ્સ હોસ્પિટલ વાળો રોડ, તેમજ રોણકીમાં આવેલ ખંડનં.40/1 પૈકી ખંડની પાસે રત્નમ ગોલ્યર્સ તેમજ રવેચી ફુડ પાસે આવેલ ચોકનું લક્ષ્મણસિંહજી કટારીયા ચોક નામકરણ કરવા અંગે સમાજ કલ્યાણ ઠ.નં.37 તા.20/01/2026 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત શહેરના વોર્ડ નં.03માં રેલનગર વિસ્તારમાં ઝઙ-24માં આવેલ ખંડનં. 12/1/3, 12/2, 11/1/60/40ના રોડ ઉપર આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ તેમજ શરણમ બિલ્ડીંગ પાસે આવેલ ચોકને ગોકળભાઇ સીતાપરા ચોક નામકરણ કરવા અંગે સમાજ કલ્યાણ ઠ.નં.38 તા.20/01/2026 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવા અંગે તથા બી.એ.પી.એસ.(સ્વામિનારાયણ મંદિર, રાજકોટ) દ્વારા સાત દિવસીય પારાયણના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખરંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશપારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા અંગે તથા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા શ્રી સુપાર્શ્વનાથ જિનાલયના 200મા વર્ષની સાલગીરી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ તથા સ્વામીવાત્સલ્ય (સંઘ જમણ)ના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવાની દરખાસ્ત મંજુર કરવામાં આવેલ.
તેમજ માનનીય રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ દાખલ કરાયેલા કેસ નં.1303/90/0/2025, તેમજ રાષ્ટ્રીય માનવ અધિકારના તા.05/01/2025ના પત્ર અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં એસ.સી./એસ.ટી. લોકોની લાગણીઓ/ગરીમાને ઠેસ પહોંચે તેવા વિસ્તારો, વસાહતો, જાતિ-સૂચક, અપમાનજનક વિસ્તારોના નામ જેમાં શહેરના વોર્ડ.નં.07માં આવેલ ઠક્કરબાપા હરીજનવાસ તેમજ વોર્ડ.નં.03માં આવેલ તોપખાના હરીજનવાસ અને વોર્ડ.નં.15માં આવેલ કસ્તુરબા હરીજનવાસ તરીકે અપમાનજનક ઓળખાતા વિસ્તારોને નામ બદલી કરવા અંગે તથા રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલના ઉપયોગ માટેના નિયમો સુધારવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.28 તા.27/02/2026 તથા તે પરત્વેનો કાયદો અને નિયમોની સમિતિ ઠરાવ નં.05 તા.03/03/2026 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ મંજુર થયેલ પ્રારંભિક/આખરી નગર રચના યોજનાઓ અંતર્ગત “વાણિજ્ય વેંચાણ હેતુ માટે તથા રહેણાંક વેંચાણ હેતુ માટે પ્રાપ્ત થતા અલગ-અલગ અનામત પ્લોટોને ઈ-ઓક્શન દ્વારા નિકાલ કરવા અંગે સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે તમામ આજના બોર્ડમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.
વિદાય વેળા કમિશનર સાથે પદાધિકારીઓની મુલાકાત
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની પાંચ વર્ષની મુદત આજરોજ પુર્ણ થયેલ હોય આજે સ્પેશિયલ બોર્ડમાં હાજરી આપ્યા બાદ મનપાના મેયર, ડે.મેયર, સ્ટે. ચેરમેન, શાસકપક્ષ નેતા અને દંડક સહિતનાએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે મુલાકાત કરી વિદાયની પળો માણી હતી.
બોર્ડમાં અરજન્ટ દરખાસ્ત ન મૂકી શકાય : સાગઠિયા
મનપાના સ્પે.જનરલ બોડમાં આજે ફલાવર બેડ હપ્તા સીસ્ટમ અને શાળાને રમતગમતનું મેદાન ફાળવવા સહિતની બે અરજન્ટ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેનો વિરોધ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા કરવામાં આવેલ. બોડમાં તેમણે મંજુરી વખતે વિરોધ પ્રગટ કરેલ પરંતુ શાસક પક્ષ અને અધ્યક્ષે ધ્યાન ન આપતાં અંતે મેયરને સંબોધીને લેખિતમાં રજૂઆત કરી જણાવેલ કે આજની ખાસ સભામાં કમિશનરશ્રી દ્વારા અથવા આપના અધ્યક્ષ સ્થાનેથી અરજન્ટ દરખાસ્ત રજૂ થાય તેવી શક્યતાઓ છે જીપીએમસી એક્ટની અનુસૂચિ ક ( એ) પ્રકરણ 2 કોર્પોરેશનની કાર્યવાહી સંબંધી નિયમ 1 ના પેટા (એલ,) ની જોગવાઈ અનુસાર ખાસ સભામાં એજન્ડાની આઈટમ સિવાય કોઈપણ બાબતની ચર્ચા ન થઈ શકે કે કોઈપણ અર્જન્ટ દરખાસ્ત રજૂ ન થઈ શકે તો આજની આ મળનાર ખાસ સભામાં એજન્ડાની દરખાસ્ત સિવાય અન્ય કોઈ અર્જન્ટ દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી કે કમિશનર દ્વારા રજૂ ન થાય તે બાબત ધ્યાનમાં લેવા વિનંતી અને આ દરખાસ્ત રજુ થઈ ગઈ હોય તો મંજુર કરવામાં ન આવે તેમ જણાવ્યું હતું.
અંતિમ બોર્ડમાં 10 નગરસેવક ઘેરહાજર
મનપાના અંતિમ બોર્ડમાં પણ અમુક નગરસેવકોએ હાજર રહેવાનું ટાળ્યું હતું. ભાજપના ભાનુબેન બાબરીયા, વર્ષાબેન પાંધી, પ્રીતિબેન દોશી, ભારતીબેન પરસાણાએ રજા રિપોર્ટ મુકયો હતો જ્યારે ડો.દર્શિતા શાહ, પુષ્કર પટેલ, અસ્મિતાબેન દેલવાડીયા, અનિતાબેન ગોસ્વામી અને કોંગ્રેસના મકબુલભાઈ દાઉદાણી, વજીબેન ગોલતર સહિતના 10 સભ્યો બોર્ડમાં ઘેરહાજર રહ્યા હતાં.
