ગુજરાતીમાં કહેવત છે કે, ડૂબતો માણસ તરણું ઝાલે અને રાજ ઠાકરે સાથે હાથ મિલાવીને બાળાસાહેબ ઠાકરેના વારસ અને શિવસેના (યુબીટી)ના કર્તાહર્તા ઉદ્ધવ ઠાકરેએ આ કહેવત અંશત: સાચી પાડી છે. વાસ્તવિક રીતે બે ડૂબતા માણસોએ તરતા રહેવા એકબીજાને ઝાલ્યા છે. મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અને પુણે સહિતની 29 કોર્પોરેશન માટે મતદાન થવાનું છે અને 16 જાન્યુઆરીએ પરિણામ આવવાનું છે. આ ચૂંટણી આડે ગણીને 20 દિવસ પણ બચ્યા નથી ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાના પિતરાઈ અને 20 વર્ષ પહેલાં શિવસેના છોડીને નોખો ચોકો બનાવનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે હાથ મિલાવવાનું એલાન કર્યું છે. શિવસેના (યુબીટી) અને મનસે વચ્ચે જોડાણના ભણકારા ક્યારના વાગ્યા જ કરતા હતા કેમ કે બંને ભાઈઓ વચ્ચે ભરત મિલાપની ઘટનાઓ અચાનક વધવા લાગી હતી.
બંને ભાઈ નાના નાના પારિવારિક પ્રસંગોમાં એકબીજાને ત્યાં ઉમળકાથી મળવા જ માંડેલા પણ રાજકીય મંચ પર પણ સાથે દેખાવા લાગ્યા હતા. આ વર્ષે જુલાઈમાં મુંબઈના વરલી ડોમમાં યોજાયેલી મરાઠા એકતા રેલીમાં ઉદ્ધવ અને રાજ એકસાથે મંચ પર આવ્યા હતા. એ વખતે જ બંને ઠાકરે એક થઈ જશે તેનો સંકેત મળી ગયેલો ને આ સંકેત સાચો પડ્યો છે. રાજ અને ઉદ્ધવે હાથ મિલાવ્યા તેના કારણે બંનેને ફાયદો થાય છે કે નહીં એ તો ચૂંટણીનાં પરિણામો પરથી જ ખબર પડશે પણ સાથે આવવામાં બંનેએ કશું ગુમાવવાનું નથી.
બલકે બંને માટે વકરો એટલો નફો જેવી જ હાલત છે. બંને લાગ્યું તો તીર નહીં તો તુક્કો કરીને એક પ્રયોગ કરી રહ્યાં છે. જોડાણથી ફાયદો થાય તો ભવિષ્યમાં સાથે રહેશે ને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું ઉદ્ધવની શિવસેનામાં વિલીનીકરણ પણ થઈ જાય. જોડાણથી ફાયદો ના થાય તો કંઈ નહીં, તું તારા રસ્તે ને હું મારા રસ્તે. ઉદ્ધવ ઠાકરે માટે આ ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો સૌથી મોટો પ્રશ્ન બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએસી) છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉદ્ધવનો છેલ્લો ગઢ અને છેલ્લી આશા છે.
લગભગ 74,000 કરોડ રૂૂપિયાનું બજેટ ધરાવતી એશિયાની ? સૌથી મોટી સ્થાનિક સ્વરાજની સંસ્થા બીએમસીમાં શિવસેનાએ લગભગ બે દાયકા સુધી રાજ કર્યું હતું પણ એ વખતે શિવસેના એક હતી અને ભાજપ તેની સાથે હતો. હવે શિવસેનાનાં ઊભાં ? ફાડિયાં થઈ ગયાં છે અને એકનાથ શિંદે ઉદ્ધવ કરતાં મોટી રાજકીય તાકાત બની ચૂક્યા છે. આ કારણે ઉદ્ધવની પાર્ટી પહેલાં જેવી મજબૂત સ્થિતીમાં નથી. ઉદ્ધવની શિવસેના બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ હારી જાય તો મુંબઈમાંથી ઠાકરે પરિવારનો દબદબો પણ ખતમ થઈ જાય. જ્યારે ઉદ્ધવની પાર્ટીએ મુંબઈ શહેરમાં ઠીક ઠીક દેખાવ કર્યો હતો તેના કારણે મુંબઈમાં હજુ શિવસેના સાવ પતી નથી ગઈ એવું લાગતું હતું. આ ચૂંટણીમાં આ વાત સાચી છે કે નહીં એ સ્પષ્ટ થઈ જશે.
