અમેરિકાએ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં આતંકી સંગઠન ISISના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. આ એરસ્ટ્રાઈકની જાણકારી આપતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા આ કાર્યવાહી એવા ખ્રિસ્તીઓ માટે કરવામાં આવી છે જેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
તેમણે ISISના આતંકીઓને ‘આતંકી કચરો’ ગણાવતા લખ્યું કે આ સંગઠન લાંબા સમયથી નિર્દોષ ખ્રિસ્તીઓની હત્યા કરી રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં અમેરિકી સેનાએ ઘણી સચોટ (પરફેક્ટ) સ્ટ્રાઇક કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા ‘કટ્ટર ઇસ્લામી આતંકવાદને પાંગરવા નહીં દે.’ પોસ્ટના અંતમાં ટ્રમ્પે સેનાને આશીર્વાદ આપતા ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે જો ખ્રિસ્તીઓની હત્યાઓ ચાલુ રહેશે, તો આગળ વધુ આતંકવાદીઓ માર્યા જશે.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ આ હુમલાઓને સંપૂર્ણપણે ખ્રિસ્તીઓની સુરક્ષા સાથે જોડી રહ્યા છે, પરંતુ નાઇજિરિયા સરકારનું વલણ થોડું અલગ છે. નાઇજીરિયાનું કહેવું છે કે આ આતંકી સંગઠનો માત્ર ખ્રિસ્તીઓને જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયોને પણ નિશાન બનાવે છે. ટ્રમ્પનો દાવો દેશની જટિલ સુરક્ષા સ્થિતિને માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી રજૂ કરે છે જે વાસ્તવિકતાથી થોડો અલગ હોઈ શકે છે. તેમ છતાં, નાઇજીરિયા પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે અમેરિકા સાથે મળીને કામ કરવા તૈયાર છે.
નાઇજીરિયાની સરકારે કહ્યું- હિંસાને ધર્મ સાથે જોડીને ન જુઓ
નાઇજીરિયા સરકાર અને અનેક માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે ત્યાં હિંસાને માત્ર ધર્મ સાથે જોડીને જોવી જોઈએ નહીં. તેમના જણાવ્યા અનુસાર આતંકી હુમલાઓમાં ખ્રિસ્તી અને મુસ્લિમ, બંને સમુદાયના લોકો માર્યા જતા રહ્યા છે. નાઇજીરિયાની વસતિ લગભગ સમાન ભાગોમાં મુસ્લિમ અને ખ્રિસ્તી છે. નાઇજીરિયામાં છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી બોકો હરામ અને ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ જેવા આતંકી સંગઠનો સક્રિય છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે અને સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે.
