ઉનાના શાણાવાંકિયામાં માતાની બહાદૂરી : સિંહણના જડબામાંથી દીકરીનો જીવ બચાવ્યો

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના છેવાડાના શાણાવાંકિયા ગામે મંગળવારે બપોરે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં એક આંબાના બગીચામાં 8 વર્ષની બાળકીને સિંહણ…

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના છેવાડાના શાણાવાંકિયા ગામે મંગળવારે બપોરે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં એક આંબાના બગીચામાં 8 વર્ષની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હતી. જોકે, માતાએ અદમ્ય હિંમત દાખવી પથ્થરો વડે સિંહણનો સામનો કરતા અંતે સિંહણે માસૂમને છોડીને ભાગવું પડ્યું હતું.

આ ઘટના શાણાવાંકિયાના ભૂતડાદાદા ધજા વિસ્તારમાં આવેલા આંબાના બગીચામાં બની હતી. અહીં 8 વર્ષીય રીવા મહેશભાઈ રામાણી તેની માતા મનીષાબેન સાથે કેરી વીણતી હતી. આ દરમિયાન બગીચામાં સિંહબાળ સાથે વસવાટ કરતી એક સિંહણ અચાનક ત્રાટકી હતી અને જોતજોતામાં માતાની નજર સામે જ રીવાને જડબામાં દબાવી ઉપાડી ગઈ હતી.

પોતાની વહાલસોયી દીકરીને કાળના મુખમાં જતી જોઈ માતા મનીષાબેને જરા પણ ડર્યા વગર અસાધારણ હિંમત બતાવી હતી. તેમણે તુરંત હાથમાં પથ્થર લઈ સિંહણની પાછળ દોટ મૂકી હતી. એક તરફ જોરદાર બૂમાબૂમ અને બીજી તરફ પથ્થરમારો શરૂૂ થતા સિંહણ ડઘાઈ ગઈ હતી. માતાના સતત પ્રતિકારને કારણે સિંહણે રીવાને લોહીલુહાણ હાલતમાં પડતી મૂકી જંગલ તરફ ભાગી જવાની ફરજ પડી હતી.

સિંહણના હુમલામાં રીવાને છાતી, પીઠ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારજનો તેને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બનાવની જાણ થતા જ વન વિભાગનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવારનો વસવાટ છે. હાલ કેરીની સીઝન હોવાથી બગીચાઓમાં મજૂરો અને ખેડૂતોની અવરજવર વધુ રહે છે, જેના કારણે ફફડાટ વ્યાપી ગયો છે. હુમલો કરનાર સિંહણ સાથે તેના બચ્ચાં પણ હોવાથી તેને પાંજરે પૂરવી વન વિભાગ માટે મોટો પડકાર બની રહેશે.
આ ઘટનાએ ગીર પંથકમાં માનવ-વન્યજીવ સંઘર્ષના મુદ્દાને ફરી એકવાર ગંભીરતાથી ઉજાગર કર્યો છે. સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને વન વિભાગ પાસે સુરક્ષાના કડક પગલાં લેવાની માગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *