ખંભાળિયામાં રામનગર ખાતે કણઝાર ચોકડી વિસ્તારમાં શનિદેવના મંદિર પાસે રહેતા દિલીપગર શિવગર ગોસ્વામી નામના 42 વર્ષના યુવાન તેમના પુત્ર નીલ સાથે બુધવારે રાત્રિના સમયે તેમના ઘરે તરબૂચ ખાતા હતા. ત્યારે ફરિયાદી દિલીપગરના પુત્ર દીક્ષિતએ તેમની પાસે આવીને કહેલ કે “તમે બહાર ચાલ્યા જાઓ. મારી માતાને અહીં ઘરમાં સૂવું છે.” તેમ કહેતા ફરિયાદી દિલીપગરએ દીક્ષિતને પહેલ કે “હું ક્યાં સુવા જાઉં”. તેમ કહેતા દીક્ષિત ઉશ્કેરાઈ ગયો હતો અને બહારથી મોટરસાયકલનો ચેન લઈને દિલીપગરને મારી લીધો હતો.
આ પછી દિલીપગરના પત્ની શીતલબેનએ પણ લાકડી સાથે આવીને દિલીપગરને બેફામ માર માર્યો હતો. આટલું જ નહીં, દીક્ષિત પાસે રહેલી મોટરસાયકલની ચેન શીતલે લઈને આ ચેન વડે પોતાના પતિ દિલીપગરને મારતા તેમને લોહી-લોહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આમ, આરોપી માતા-પુત્ર દ્વારા બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, કુહાડો લઈને કહેલ કે “હવે જો તું અમને સામે કંઈ બોલીશ તો વાહન નીચે કચડાવીને જાનથી મારી નાખીશું અથવા કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી દઈશું.” તેમ કહી ધમકી આપ્યાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે શીતલબેન દિલીપગર ગોસ્વામી અને દીક્ષિત દિલીપગર ગોસ્વામી સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
