ગોંડલના ગોમટા ગામે પાણી ભરવા મુદ્દે 12 વર્ષના તરુણ અને તેની માતા સાથે ઝઘડો કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. માતા પુત્રને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના ગોમટા ગામે રહેતા હીરાબેન વિનુભાઈ સોલંકી (ઉ.વ.37) અને તેનો પુત્ર રાજ વિનુભાઈ સોલંકી (ઉ.વ.12) રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે અશોક અને સુનીલ નામના શખ્સે ધોકા વડે માર માર્યો હતો. માતા-પુત્રને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં પાણી ભરવા મુદ્દે થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અન્ય બનાવમાં ધોરાજીમાં રહેતા અખિલેશ કચરાભાઈ મહિડા નામના 18 વર્ષના યુવકની પત્નીને તેના સસરા તેડી જતા અખિલેશ મહિડાને માઠુ લાગી આવ્યું હતું અને આવેશમાં આવી અખિલેશ યાદવે ઝેરી દવા પી લીધી હતી. જ્યારે બીજા બનાવમાં ગોંડલના ખજૂરા ગામે ખેત મજૂરી અર્થે આવેલા કિશન ઇન્દુભાઈ મોટીયા નામના 18 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર બંને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
