છેલ્લા એક અઠવાડિયામાં મેલેરિયા-ડેન્ગ્યૂ-ચિકનગુનિયાનો એકપણ કેસ નહીં
રાજકોટમાં મચ્છર ગાયબ થઇ ગયા છે! આવી જ કંઇ જાદુઇ કરામત મનપાની આરોગ્ય શાખાએે કાગળ પર કરીને છેલ્લા એક સપ્તાહમાં મચ્છરજન્ય રોગચાળાનો એકપણ કેસ ન હોવાનું સરકારમાં મોકલવામા આવતા સતાવાર રિપોર્ટમાં નોંધ કરી નાખી છે. કોરોના કાળમાં પોઝિટિવ કેસની સંખ્યા અને કોરોનાથી થયેલા મોત ઓછા દેખાડવાની મનપાની કરામત સૌ કોઇ જાણે જ છે. પણ હવે તો સામાન્ય રોગચાળામાં પણ કાગળ પર આવી કરામત દેખાડવમાં મનપા માહિર બની ગઇ છે.
શહેરમાં છેલ્લાં એેક અઠવાડિયામાં ડેન્ગ્યૂ, મેલેરિયા કે ચિકનગુનિયાનો એકપણ કેસ મનપાનાએ જાહેર કરેલા સતાવાર રિપોર્ટમાં નોંધાયો નથી. શું માનવામા આવે કે મચ્છરજન્ય એકપણ દર્દી ન હોય?!
રાજકોટમાં જાણે મચ્છરોનો ઉપદ્રવ નીલ થઇ ગયો હોય તેવો ઉઠ્ઠા ભણાવતો રીપોર્ટ મનપાની આરોગ્ય શાખાએ તૈયાર કર્યો છે. જાહેર કરેલા રોગચાળાનો અઠવાડિક રિપોર્ટમાં તા.6થી તા.12 સુધીમાં ડેન્ગ્યૂ, મેલેરિયા કે ચિકનગુનિયાના રોગચાળાનો એકપણ કેસ નથી.
જો કે બીજીબાજુ છેલ્લાં એક જ અઠવાડિયામાં શરદી, ઉધરસ અને તાવ અને વાયરલ રોગચાળાના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં આવા 2132 કેસ નોંધાયા છે. જેમા શરદી-ઉધરસના 932, સામાન્ય તાવના 906, ઝાડા-ઉલ્ટીના 292, ટાઇફોઇડના 1 અને કમળાના 2 કેસ નોંધાયા છે. જો કે આ આકડાં પણ માત્ર સરકારી હોસ્પિટલ અને મનપાના આરોગ્ય કેન્દ્રમાં આવેલા કેસ છે. ખાનગી હોસ્પિટલનો સર્વે કરવામા આવે તો રોગચાળાના કેસની ચિંતાજનક સ્થિતિ સામે આવી શકે છે.
મચ્છરોનું બ્રીડીંગ થાય તેવી બેદરકારી દાખવનાર 257 આસામીને નોટિસ
મનપાની મેલેરિયા શાખાએ વિવિધ બાંધકામ સાઇટ, ઓફિસ, કોમ્પ્લેક્સ, સ્કુલ, હોસ્પિટલ, ભંગારના ડેલા, સેલર, વાડી-હોલ સહિતની જગ્યાએ મચ્છરોના બ્રીડીંગ સબબ ચેકીંગ કર્યુ હતુ. આ દરમિયાન બેદરકારી દાખવનાર 376 આસામીને નોટિસ ફટકારવામા આવી હતી. કુલ 597 સ્થળે તપાસ કરવામા આવી હતી. આ દરમિયાન 34578 ઘરમા પોરાનાશક કામગીરી કરી 140 ઘરમાં ફોગીંગ કરવામા આવ્યુ હતુ.
