સૌથી વધુ અસરગ્રસ્ત જામવાળા, બાબરિયા, જશાધાર, ધારી રેન્જમાં સિંહોનું સ્ક્રિનિંગ
ગીરના સિંહોમાં બેબેસીયાનો રોગચાળો પ્રસરતાં ત્રણ સિંહબાળ સહીત પાંચ સિંહોના મોતની ઘટનાથી વનવિભાગમાં દોડધામ મચી છે.અન્ય સિંહોમાં આ રોગ ના ફેલાય તે માટે વનવિભાગ દ્વારા ગીરના સિંહોનું સ્ક્રીનીંગ કરવાની કામગીરી કરવા ટીમો ઉતારવામાં આવી છે.ખાસ કરીને સૌથી વધુ અસરગસ્ત જણાતા જામવાળા બાબરિયા અને જશાધાર રેંજમાં અધિકારીઓએ પડાવ નાખીને અશક્ત, નબળા જણાતા સિંહોના સેમ્પલીંગ પ્રક્રિયાને વેગ આપ્યો છે.
2018માં જે રીતે ગીરના સિંહોને સીડીવી અને બેબેસીયા રોગના વાયરસે ભરડો લીધો હતો અને અનેક સિંહોના ટપોટપ મોત થયા હતા, તેવો જ વાયરસ હાલ ફરીથી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સિંહોમાં જોવા મળ્યો છે.ખાસ કરીને અહીંના ગીર પૂર્વના ધારી જશાધાર રેંજ અને ગીર પશ્ચિમના જામવાળા અને બાબરિયા રેંજમાં છેલ્લા એક મહિનામાં અનેક સિંહોના મોત થયાનું સામે આવ્યું છે. ગઈકાલે આ વાતની પુષ્ટી કરતા પીસીસીએફ જયપાલસિંઘએ જણાવેલું કે,ત્રણ સિંહબાળ સહીત પાંચ સિંહના મોત થયા છે.જેમાં બેબીસીયા નામનો રોગ હોવાનું માનવામાં આવે છે.
વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ આ વાત સ્વીકારી એવું નિવેદન આપ્યું છે કે,મૃત્યુ પામેલા પાંચ સિંહો પૈકી બે સિંહોને બેબીસીયા નામના રોગથી મૃત્યુ થયા છે. જયારે અન્ય સિંહોમાં એકનું ઈનફાઈટમાં અને અન્ય એક સિંહનું કુદરતી રીતે મોત થયું છે.આ રોગ કોઈ વધારે મુશ્કેલી જણાતું નથી અને અન્ય સિંહોમાં તેની અસર ના થાય તે માટે હાલ વનવિભાગ દ્વારા પૂરતા તકેદારીના પગલા લેવાનું શરુ કરી દીધું છે.આ રોગ પશુઓની ઈતરડી નામની જીવાતથી થાય છે અને તેને અટકાવવા શંકાસ્પદ જણાતા સિંહોને શોધીને સેમ્પલીંગ લેવાની કામગીરી શરુ છે.સૌથી વધુ અસરગ્રસ્ત જણાતા જામવાળા,બાબરિયા અને જશાધાર રેંજમાં અધિકારીઓએ પડાવ નાખ્યા છે.
