ધોરણ 10નું પરિણામ આવ્યાના ત્રણ સપ્તાહ પછી પણ માર્કશીટ ન મળતા હાલાકી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ-10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ 6મેએ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે પરિણામ જાહેર થયાને…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ-10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ 6મેએ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે પરિણામ જાહેર થયાને હવે ત્રણ સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી મૂળ માર્કશીટ આપવામાં આવી નથી. બોર્ડની આ વિલંબિત કામગીરીને કારણે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને ધોરણ-10 પછી ડિપ્લોમા સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ વિલંબ મુશ્કેલીરૂૂપ બની રહ્યો છે.

સામાન્ય રીતે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાના એક સપ્તાહની અંદર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હોય છે. શાળાઓ મારફતે વિદ્યાર્થીઓ સુધી માર્કશીટ પહોંચાડવાની વ્યવસ્થા અગાઉના વર્ષોમાં સમયસર થતી રહી છે. પરંતુ આ વખતે બોર્ડ તરફથી માર્કશીટના ફોર્મેટ અને ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે. આ પહેલા ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 4 મેના રોજ જાહેર કરાયું હતું. ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ પરિણામ જાહેર થયાના લગભગ 19 દિવસ બાદ, એટલે કે 23 મેના રોજ માર્કશીટ મળી હતી. હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે પણ સમાન સ્થિતિ સર્જાતા વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી સમસ્યા પ્રવેશ પ્રક્રિયામાં ઉભી થઈ રહી છે. ધોરણ-10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂૂ થઈ ચૂક્યું છે. તેમાં વિદ્યાર્થીઓએ માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત હોય છે. પરંતુ માર્કશીટ ઉપલબ્ધ ન હોવાથી અનેક વિદ્યાર્થીઓ હજુ સુધી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે,કારણ કે તેઓને દસ્તાવેજો માટે વારંવાર શાળાઓના ચક્કર કાપવા પડી રહ્યા છે.શિક્ષણવિદોના મતે હાલના ડિજિટલ યુગમાં બોર્ડ પાસે ટેકનોલોજી અને આધુનિક વ્યવસ્થા ઉપલબ્ધ હોવા છતાં આવી વિલંબિત પ્રક્રિયા યોગ્ય ગણાય નહીં. પરિણામ જાહેર કરવાની સાથે જ માર્કશીટ તૈયાર રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીઓને અનાવશ્યક હેરાનગતિથી બચાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *