મોડર્ન રેસ્ટોરન્ટમાં કેન્સર થાય તેવો ઘાતક ફૂડ કલર વપરાતો હતો; વાસી ગ્રેવી, ફૂગવાળી ડુંગળી, મન્ચ્યુરન, નુડલ્સ, બાફીને રાખેલા ગંધાતા બટેટા-શાકભાજી સહિત 155 કિલોથી વધુ સામગ્રીનો સ્થળ પર જ કરાયો નાશ; સોમનાથ બેકરીમાંથી બર્ગર બ્રેડ સહિત 160 કિલો વાસી ખાદ્ય જથ્થો મળ્યો
રાજકોટિયન્સ હરવાફરવાની સાથે સ્વાદના પણ એટલા જ શોખિન હોવાની એક છાપ છે. સ્વાદના રસિયા શહેરીજનોને બહારનો ચટાકો લેતા પહેલા સો વખત વિચારવુ પડે તેવી ચોંકાવનારી એકપછી એક હકિકતો મનપાની આરોગ્ય(ફૂડ) શાખા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી સઘન ચેકીંગ ઝૂંબેશ દરમિયાન સામે આવતી જાય છે. નામી-અનામી અનેક હોટલ-રેસ્ટોરેન્ટમાં નફો મેળવવા માટે માનવતા નેવે મુકીનને કઇ હદે બીમારી પિરસાઇ રહી છે તેનો પર્દાફાશ થઇ રહ્યો છે. આવી જ વધુ એક જાણીતી પેઢી સામાકાંઠે બાલક હનુમાન ચોક પાસે સનલાઇટ પ્લાઝા ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મોર્ડન પંજાબી એન્ડ ચાઇનીઝ પેઢીમાં જનઆરોગ્ય સાથે થતા ગંભીર ચેડા ખુલ્લા પડ્યા હતા.
ચેકીંગ દરમિયાન સંગ્રહ કરેલી વાસી સામગ્રી સહિત 155 કિલો જેટલો જંગી જથ્થો મળી આવતા મોર્ડન પંજાબી-ચાઇનીઝ પેઢીને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામા આવ્યુ છે. જ્યારે અન્ય દરોડામાં માધાપર ચોકડી પાસે આવેલા યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી સોમનાથ બેકરીમાંથી બ્રેડ, બર્ગર સહિત 160 કિલોથી વધુ ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવતા બેકરીને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે રૂા.10,000નો દંડ પણ ફટકારાયો છે.
મનપાની ફૂડ શાખાએ ગઇકાલે સર્વેશ્વર ચોકમાં અને એક ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે એમ બે પેઢીને સીલ કર્યા બાદ આરોગ્યના ધારાધોરણોનો ઉલાળ્યો કરતી વધુ એક ખાણીપીણીની પેઢીને સીલ કરી દીધુ છે. ફૂડ શાખાને એવી ચોક્કસ માહિતી મળી હતી કે, શહેરના સામાકાંઠે પેડક રોડ પર બાલક હનુમાન ચોક પાસે ઓલા સનલાઇટ પ્લાઝા ગ્રાઉન્ડ ફ્લોરમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી મોર્ડન પંજાબી-ચાઇનીઝ રેસ્ટોરેન્ટમાં આગલા દિવસે વધેલી વાસી સામગ્રી બીજા દિવસે મરી મસાલા છાંટી ચટાકેદાર બનાવીને ધ્રાબડી દેવામા આવે છે. ફૂડ શાખાને ટીમે સાંજના સમયે જ્યારે ઘરાકી હોય ત્યારે જ દરોડો પાડ્યો હતો.
રેસ્ટોરેન્ટમાંથી વાસી ગ્રેવી, અગાઉથી બનાવીને રખાયેલા મન્ચ્યુરન, કાંદાભાજી, રેડ ગ્રેવી, રાઇસ, નુડલ્સ, બાફેલા ગંધાઇ ગયેલા શાકભાજી, આજીનો મોટો સહિતનો 155 કિલોથી વધુ અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આ તમામ જથ્થો સ્થળ પર જ નાશ કરીને મોર્ડન રેસ્ટોરેન્ટ સીલ કરી દેવામા આવ્યુ હતુ. તેમજ રૂૂ.10 હજારનો દંડ પણ ફટકારવામા આવ્યો હતો. અહીં ચોંકાવનારી એ હકિકત પણ સામે આવી હતી કે, મોર્ડન પંજાબી એન્ડ ચાઇનીઝમાં પંજાબી અને ચાઇનીઝને કલરફૂલ અને ચટાકેદાર બનાવવા માટે આરોગ્ય માટે અતિઘાતક એવા સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હતો. મનપાના જ આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીને પુછવામા આવતા તેમણે જણાવ્યુ હતુ કે, સતત આ પ્રકારના ઘતક કલરયુક્ત ખોરાક પેટમાં જવાથી આંતરડાનું કેન્સર, લીવર-કીડીની ફેઇલ થવા સુધીની ગંભીર અસર થાય છે.
હવે વિચારજો! રણછોડનગર, પેડક રોડ સહિત સામાકાંઠાના વિસ્તારમાં આ રેસ્ટોરેન્ટ છે હોટફેવરિટ!
સામાકાંઠે રણછોડનગર, પેડક રોડ જ નહીં પણ આસપાસના અનેક વિસ્તાર માટે બાલક હનુમાન ચોક નજીક આવેલી આ મોર્ડન પંજાબી એન્ડ ચાઇનીઝ રેસ્ટોરેન્ટ હોટફેવરિટ હતી. રવિવારે તો એડવાન્સ બુકીંગ કરાવવુ પડે છે. લાંબ વેઇટીંગમાં બેસવુ પડે છે. આવા હોટ ફેવરિટ રેસ્ટોરેન્ટમાં આરોગ્ય સાથે કેવા ચેડા થાય છે એ જોયને હવે વિચારવુ પડે તેવી ઓનપેપર, ઓનકેમેરા હકિકતનો પર્દાફાશ થયો છે.
