જૂનાગઢ જિલ્લા જેલમાંજેલની સ્થાનિક ઝડતી સ્ક્વોડે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા બેરેક નંબર-9માંથી મોબાઈલ ફોન, સીમકાર્ડ, ડેટા કેબલ મળી આવતા 5 કેદી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેલ હવાલદાર વિક્રમભાઈ કાનજીભાઈ મેરની સ્થાનિક ઝડતી સ્ક્વોડ ટીમે બુધવારે બપોરના 12:40 કલાકે સર્કલ-1ની બેરેકોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન દરેક નંબર 9માં ટીવીના સેટ-ટોપ બોક્સની અંદર છુપાવેલો કી-પેડ વાળો મોબાઈલ મળી આવ્યો હતો.
આ સાથે એક ચાલુ હાલતનું સીમકાર્ડ અને ડેટા કેબલ પણ હાથ લાગ્યો હતો. આ મામલે હવાલદાર વિક્રમભાઈ મેરએ કાચા કામનો કેદી સાગર કાનજીભાઈ ચાવડા, જાવેદ આમદભાઈ જસરાઈ નામના સહિત બેરેકના અન્ય 3 કાચા કામના કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
મોબાઈલ ફોન સહિતની પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર કેવી રીતે પહોંચી અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો, તે દિશામાં એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.
