વેરાવળના કોળીવાડા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હુમલા બાદ નોંધાયેલા ગુનામાં નિર્દોષ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ સોમનાથના ધારાસભ્ય એ કર્યો છે. તેમણે કોળી સમાજના આગેવાનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષક ને રૂૂબરૂૂ મળીને લેખિત રજૂઆત કરી છે.
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા કરેલી રજૂઆતમાં જણાવેલ કે, વેરાવળ શહેરમાં નોંધાયેલા ગુનામાં અંદાજે 200 લોકોના ટોળા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત, અનેક મહિલા-પુરુષોની ખોટી અટકાયત કરવામાં આવી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. તેમણે સમગ્ર ઘટનાની તટસ્થ અને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. તા.8 જુલાઈની રાત્રે જખઈ ના અધિકારીઓ દ્વારા કરાયેલી રેઈડ દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું. જેમાં ફરજિયાત વિડિયો રેકોર્ડિંગ તથા મહિલા પોલીસની હાજરી જેવી જોગવાઈઓનો ભંગ થયો હતો.
રજૂઆતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અનેક આરોપીઓ દૈનિક મજૂરી કરીને જીવન ગુજારતા સામાન્ય નાગરિકો છે, જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. કેટલાક વૃદ્ધ, મહિલા તથા યુવાનોને પણ આરોપી બનાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ઘટના સ્થળે હાજર ન હોવા છતાં કેટલાક લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તેમની અન્યત્ર હાજરીના CCTV ફૂટેજ ચકાસી નિર્દોષોને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. આ રજૂઆત ની જાણ ગૃહ મંત્રી, ગૃહ સચિવ, રાજ્ય પોલીસ વડા તથા રેન્જ આઈજી ને પણ મોકલી હોવાનું જણાવ્યું છે.
