દ્વારકાના જગતમંદિરમાં આજે બુધવાર તા. 15 જુલાઈના રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂૂપની રથયાત્રાનું આયોજન કરાયું છે. બુધવારે સાંજે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રીજીના બાળ સ્વરૂૂપને ચાંદીના રથમાં બેસાડીને દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે.
મંદિર પરિસરમાં પૂજારી પરિવાર દ્વારા આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાશે. રથયાત્રા મહોત્સવનો સર્વે વૈષ્ણવોએ લાભ લેવા મંદિર પૂજારીગણની યાદીમાં જણાવાયું છે.
દ્વારકાધીશ મંદિરના વારાદાર પૂજારી પ્રણવ રાજેન્દ્રભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું કે, દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ શ્રીજીના બાળ સ્વરૂૂપને ગર્ભગૃહમાંથી બહાર લાવીને ભકતો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને બાળ સ્વરૂૂપે સફેદ ચાંદીના અશ્વો અને ચાંદીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવે છે. શ્રીજીની દરેક પરિક્રમા બાદ ભોગ અને આરતી પણ કરવામાં આવે છે. જે અનુસાર રથયાત્રા દરમ્યાન ઠાકોરજીના બાલસ્વરૂૂપની ચાર પરિક્રમાં જગતમંદિર પરિસરમાં યોજવામાં આવશે.
ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂૂપની મુખ્ય મંદિરની ચોથી પરિક્રમા બાદ દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલાં માતા દેવકીજીના મંદિર પાસે આવેલા સ્તંભ સાથે અથડાવવામાં આવશે. લોકવાયકા મુજબ શ્રીજીના આ રથને આ સ્તંભ સાથે અથડાવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્યાએ સારો વરસાદ વરસે છે. સારા વરસાદથી ઉત્તમ પાક થતાં ખેડૂતો અને લોકોના ઘર ધન-ધાન્યથી ભરાય છે તેવી માન્યતા છે.
