વોટર પાર્કમાં છેડતી બાદ સગીરાને આંતરી સરાજાહેર ફટકારી

રાજકોટમાં અટલ સરોવરથી પંચાયતનગર ચોક સુધી ટપોરીઓએ રિક્ષાનો પીછો કર્યો ફિલ્મી ઢબે રિક્ષાને આંતરી ધોકા વડે તૂટી પડયા, ટોળું એકઠુ થતાં બાઈક મુકી નાસી છૂટયા…

રાજકોટમાં અટલ સરોવરથી પંચાયતનગર ચોક સુધી ટપોરીઓએ રિક્ષાનો પીછો કર્યો

ફિલ્મી ઢબે રિક્ષાને આંતરી ધોકા વડે તૂટી પડયા, ટોળું એકઠુ થતાં બાઈક મુકી નાસી છૂટયા

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી.શહેરના ચુનારાવાડ ચોક વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા પોતાના પરિવાર સાથે રજાના દિવસે અટલ સરોવર અને તેની નજીક આવેલા ક્રિષ્ના કિંગ વોટર પાર્કમાં ગઈ હતી,પરંતુ આ મજા ત્યારે સજામાં ફેરવાઈ ગઈ જ્યારે ચાર જેટલા લુખ્ખા તત્વોએ સગીરાની છેડતી કરી હતી.વોટર પાર્કમાં મજૂરી કામ કરતા પિતાની પુત્રી અને તેના પરિવારજનોએ જ્યારે આ હીન હરકતનો વિરોધ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા શખ્સોએ જાહેરમાં જ આતંક મચાવવાનું નક્કી કર્યું હતું.
વોટર પાર્કમાં મામલો બિચકતા સગીરા અને તેના પરિવારની પાંચ મહિલાઓ તથા એક યુવાન રિક્ષા ભાડે કરી પરત ઘરે જઈ રહ્યા હતા.

આ દરમિયાન છેડતી કરનાર શખ્સો બાઈક પર ધોકા અને હથિયારો સાથે તેમનો પીછો કરી રહ્યા હતા.જેવી રિક્ષા યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોક પાસે પહોંચી, કે તુરંત જ આ શખ્સોએ ફિલ્મી ઢબે રિક્ષા આડી બાઈક નાખી દીધી હતી. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં ચારેય શખ્સોએ ધોકા વડે હુમલો કરી રિક્ષામાં બેઠેલી સગીરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જાહેરમાં થયેલા આ ખૂની હુમલાને કારણે આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

આ ઘટનાની સૌથી ગંભીર બાબત એ છે કે, આ આતંક ત્યારે મચાવવામાં આવ્યો જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની રાજકોટમાં ભવ્ય રોડ શોની તૈયારીઓ ચાલી રહી હતી.પોલીસનું સખત પેટ્રોલિંગ હોવા છતાં લુખ્ખા તત્વોએ નિર્દોષ પરિવાર પર હુમલો કરવાની હિંમત કરી, જે શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે. હુમલા બાદ જ્યારે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા, ત્યારે પકડાઈ જવાની બીકે ચારેય હુમલાખોરો પોતાનું સ્કૂટર ઘટનાસ્થળે જ છોડીને નાસી છૂટ્યા હતા.

હાલમાં ઈજાગ્રસ્ત સગીરાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા પોતાની વ્હાલસોયી દીકરી પર થયેલા આ હુમલાથી આઘાતમાં સરી પડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી મળી આવેલા વાહનના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટવાસીઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *