અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ઘટના બાદ સાવરકુંડલા રૂૂરલ પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોડી રાત્રે અમરેલી ભૂસ્તરશાસ્ત્રીની તપાસ ટીમ સાવરકુંડલા, ખાંભા અને રાજુલા વિસ્તારમાં ચેકિંગ માટે નીકળી હતી. સાવરકુંડલા શહેરમાંથી રેતી ભરેલું એક ટ્રેક્ટર રોકવામાં આવ્યું હતું. વાહનચાલક પાસ-પરમિટ રજૂ ન કરી શકતા, ગેરકાયદેસર રેતી ભરેલું ટ્રેક્ટર જપ્ત કરીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું હતું. તેમણે ધોકા, પાઇપ અને છરી વડે ટીમ પર હુમલો કર્યો હતો. ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર કાનાભાઈ સોલંકી, નલિન બગડા અને ગાર્ડ મુકેશ જોશીને ઈજાઓ થઈ હતી.
સિક્યુરિટી ગાર્ડ મુકેશ જોશીને માથાના ભાગે ધોકો વાગતા ત્રણ ટાંકા આવ્યા હતા, જ્યારે અન્ય કર્મચારીઓને પગ અને પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ મામલે લુવારાના કરણભાઈ સાદુળભાઈ બોરીચા, તેમના મિત્ર જયરાજભાઈ વાળા અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સહિત પાંચથી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ટીમો હુમલાખોર ખનીજ માફિયાઓને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી, લીલીયા અને સાવરકુંડલા પંથકમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં રાત્રિના સમયે અને વહેલી સવારે મોટા પાયે ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે. આ હુમલાની ઘટના બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
