શહેરમાં વાઘેશ્વરી મંદિર સામે સોમવારની મોડી રાત્રે મૂળ કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ગામના વતની અને છેલ્લા ચારેક વર્ષથી ભવનાથ વિસ્તારમાં સાધુ તરીકે રહેતા 50 વર્ષીય ભરતભાઇ જીવાભાઇ મકવાણાની 3 શખ્સે ચોરીની આશંકાએ લાકડી, દોરી વડે હત્યા નિપજાવી હતી.
ઘટના અંગે મૃતકના મોટા ભાઇ રમેશભાઇ જીવાભાઇ મકવાણાની ફરિયાદ અનુસાર, સોમવાર રાત્રિના વાઘેશ્વરી મંદિરની સામે રોડ પર એક રિક્ષા પાસે ત્રણ શખ્સો ભરતભાઇને લાકડી અને દોરી વડે માર મારી રહ્યા હતા. મંદિરના કર્મચારીએ આ ઘટના જોતાં 112 અને 108 પર જાણ કરી હતી. ગંભીર ઇજાઓ થવાના કારણે ભરતભાઇનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, આરોપી અતુલ રણમલ કડછાની પત્નીના મંગલસૂત્રની ચોરી અશોક બગડા અને મૃતક ભરતભાઈએ કરી હોવાની શંકા હતી. જેના કારણે તમામ જીજે 11 ઝેડ 9774 નંબરની રીક્ષામાં ભવનાથથી નીકળ્યા હતા અને વાઘેશ્વરી મંદિર સામે પહોંચ્યા હતા જ્યાં માથાકૂટ થઈ હતી અને અશોક બગડા, અશોક પરમાર, અતુલ કડછાએ ભરતભાઈને લાકડી અને દોરી વડે માર મારી ગંભીર પહોંચાડતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને અશોક બગડા, અશોક પરમાર અને અતુલ રણમલભાઇ કડછા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ભવનાથ પીઆઇ એચ. કે. હુંબલે દ્વારા હાથ ધરી છે.
ભવનાથ રોડ પર વાઘેશ્વરી મંદિર સામે થયેલી હત્યાની ઘટનાથી સ્વભાવિક રીતે જ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઊભા થયા છે. મોડી રાત્રિ સુધી શહેરીજનો, પ્રવાસીઓ સહિતના લોકોની ભવનાથ વિસ્તારમાં અવર જવર રહેતી હોય છે. એવા સમયમાં 3 શખ્સો દ્વારા લાકડીના ફટકા મારીને હત્યા કરવાની આ ઘટના સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે.
ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, આરોપી અશોક દેવશીભાઈ બગડા, અતુલ રણમલભાઈ કડછા અને મૃતક ભરતભાઈ જીવાભાઇ મકવાણા વિરુદ્ધ અગાઉ દારૂૂના કેસ કુતિયાણા પોલીસ મથકમાં નોંધાયા હતા.
