રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં કોટડાસાંગાણીના નવઘણ ચોરા પાસે રહેતા આધેડને હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણીના નવઘણ ચોરા પાસે રહેતાં જાલમસંગ રવજીભાઈ ડાભી નામના બાવન વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આધેડની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક જાલમસંગ ડાભી ચાર ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
