હોસ્પિટલે સારવાર મળે તે પહેલા દમ તોડયો
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને એક બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ના ચાલક મોટી ખાવડી ગામના આધેડનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવની હકીકત એવી છે કે જામનગર નજીક મોટી ખાવડી ગામમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા કરણસિંહ સુરાજી જાડેજા (ઉંમર વર્ષ 50) કે જેઓ પોતાનું બાઈક લઈને મોટી ખાવડી થી બેડ ગામ માટે જવા નીકળ્યા હતા, અને ખંભાળિયા ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન મોટી ખાવડી નજીક હાઈવે રોડ પર તેઓનું બાઇક એકાએક સ્લીપ થઈ ગયું હતું, અને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટાભાઈ જુવાનસિંહ સુરાજી જાડેજાએ પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજા બનાવ ના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.