ધ્રોલ નજીક અજાણ્યા ટ્રકચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા ઘટી ઘટના: નણંદ- ભાભીને ગંભીર ઇજા
મહેસાણામાં રહેતો પરિવાર દ્વારકા દર્શન કરી ઇકો કારમાં પરત ફરી રહ્યો હતો. ત્યારે ધ્રોલ નજીક પહોંચતા અજાણ્યા ટ્રક ચાલકે ઇકો કારને ઠોકરે ચડાવી હતી. જે હિટ એન્ડ રનની ઘટનામાં ધો.10 ના છાત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે નણંદ ભોજાઈને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મહેસાણામાં રહેતા દીપિકાબેન રાહુલજી ઠાકોર (ઉ.વ.22) અને તેમના ભાભી સુમિત્રા જીગરશી વધારેલા (ઉ.વ.24) પરિવાર સાથે દ્વારકા દર્શન કરી ઇકો કારમાં ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે મધરાત્રે ધ્રોલ પાસે પહોંચતા પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે મહેસાણાના પરિવારની ઇકો કારને ઠોકરે ચડાવી હતી જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ધો. 10 માં અભ્યાસ કરતા મેહુલજી ફુલજી ઠાકોર નામના 18 વર્ષના યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે દીપિકાબેન ઠાકોર અને સુમિત્રાબેન વધારેલાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મેહુલજી ઠાકોર બે ભાઈમાં નાનો હતો અને ધો.10માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર સાથે મેહુલજી ઠાકોર દ્વારકા દર્શન કરવા ગયો હતો અને જ્યાંથી ઇકો કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલાકે ઠોકરે ચડાવતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
