જામનગર શહેરમાં રવિવારે સમગ્ર દિવસ દરમિયાન ધૂપ- છાવ જેવી પરિસ્થિતિ હતી, અને વાદળોના આંટાફેરા જોવા મળ્યા હતા. સાથો સાથ પ્રતિ કલાકના 35 થી 40 કિ.મી ની ઝડપે પવન પણ કુંકાયો હતો. આખરે મોડી રાત્રે ફરી મેઘો મંડાયો હતો. રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન વધુ અડધો ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત આજે સોમવારે પણ વધુ 29 મી. મી. એટલે કે એક ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે.
જામનગર શહેર ઉપરાંત જામજોધપુરમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા, તેમજ આજે જોડીયામાં 37 મીમી, ધ્રોલમાં 33 મીમી, કાલાવડમાં 59 મીમી , લાલપુરમાં 44 મીમી અને જામજોધપુરમાં 39 મીમી વરસાદ થયો છે.
કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડામાં ગઈકાલે રવિવારે 28 મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત જામજોધપુર તાલુકાના ધૂંનડા, પરડવા અને વાંસજાળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના મોટા ખડબા ગામમાં પણ અડધો ઇંચ વરસાદ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
