ફરી મેઘરાજા મંડાયા; 195 તાલુકાઓમાં 0॥થી 8 ઇંચ વરસાદ

ઉમરપાડા, ઝઘડિયા, સોનગઢ અંકલેશ્ર્વર, નેત્રંગમાં 3થી 8 સૌરાષ્ટ્રમાં મોરબી, આમરણ, જામનગર, ગોંડલ, રાજકોટમાં 0॥થી 2॥ ઇંચ ઝંઝાવાતી ખાબક્યો ગુજરાત ઉમર અપરએર સાઇકલોનીક સરક્યુલેશનના કારણે ગઇકાલે…

ઉમરપાડા, ઝઘડિયા, સોનગઢ અંકલેશ્ર્વર, નેત્રંગમાં 3થી 8 સૌરાષ્ટ્રમાં મોરબી, આમરણ, જામનગર, ગોંડલ, રાજકોટમાં 0॥થી 2॥ ઇંચ ઝંઝાવાતી ખાબક્યો

ગુજરાત ઉમર અપરએર સાઇકલોનીક સરક્યુલેશનના કારણે ગઇકાલે ગુજરાતના 195 તાલુકાઓમાં ભારે પવન સાથે 0॥ થી 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં 8 ઇંચ તેમજ ઝઘડિયા, સોનગઢ, અંકલેશ્ર્વર, નેત્રંગ, બોડેલી, ભરૂચ, ડભોઇ, વ્યારા સહિતના તાલુકાઓમાં 4 ઇંચ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, મોરબી, આમરણ, જામનગર, ગોંડલ, રાજકોટમાં 0॥ થી 2॥ જેટલો વરસાદ પડી જતાં ગણેશ ઉત્સવના પંડાલો તરબતોળ થઇ ગયા હતા. તેમજ અનેક આયોજનો પડતા મૂકવાની નોબત આવી હતી. ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. નદીઓમાં નવા પુર આવતા ડેમોમાં નોંધપાત્ર પાણીની આવક થઇ છે.

રાજ્યમાં ગઇકાલે 195 તાલુકાઓમાં 0॥ થી 8 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં સુરત, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, નર્મદા, આણંદ, દાહોદ, બરોડા તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, મોરબી, કચ્છ, જૂનાગઢ, જામનગર, રાજકોટ સહિતના જિલ્લઓમાં ભારે પવન સાથે ઝંઝાવટી વરસાદ ખાબક્યો હતો. સુરતના ઉમરપાડામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. સૌરાષ્ટ્રમાં સમગ્ર ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના ગોગા માં અઢી ઇંચ ભાવનગર શહેર અને સિહોરમાં બે ઇંચ ઉમરાળામાં એક ઇંચ વલભીપુરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ થી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી ની વચ્ચે અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના ઘોઘામાં અઢી ઇંચ વરસાદ પડતા ઘોઘાનો મોસમનો કુલ વરસાદ 562 મી.મી. થઈ ગયો છે . જિલ્લામાં સૌથી વધુ સિહોરમાં મોસમનો કુલ વરસાદ 1000 મી.મી થઈ ગયો છે. જ્યારે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ તળાજામાં સીઝનનો કુલ વરસાદ 569 મી.મી. થયો છે. ભાવનગર શહેરનો સીઝનનો કુલ વરસાદ 762મી.મી. થયો છે.

જે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 38 મી.મી., ઉમરાળામાં 23 મી.મી., ભાવનગર શહેર 52 મી.મી., ઘોઘા 61 મી.મી. શિહોર 51 મી.મી. ગારીયાધાર 6 મી.મી. પાલીતાણા 6 મી.મી. , મહુવા 5મી.મી.,તળાજા 8મી.મી. જેસર 2 મી.મી. વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી બ્રેક રહી છે. ત્યારે ગઈકાલે હવામાન વિભાગ દ્વારા વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે રાત્રે આશરે 12 વાગ્યાના સમયે ખંભાળિયા વિસ્તારમાં વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ સમયે 9 મી.મી. વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા તાલુકામાં હાલ ચોમાસાની ઋતુ મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ઘણા વર્ષો પછી ખંભાળિયામાં હાલ માત્ર સાડા 18 ઈંચ (468 મી.મી.) જેટલો વરસાદ નોંધાયો છે. આ વચ્ચે નોંધનીય બાબત તો એ છે કે ખૂબ જ ઓછા વરસાદ વચ્ચે પણ ખંભાળિયાનો 20 ફૂટની કેપેસિટી ધરાવતો ઘી ડેમ ઉપરવાસના વરસાદના કારણે મહદ અંશે ભરાઈ ચૂક્યો છે અને એક જોરદાર વરસાદથી આ ડેમ ઓવરફ્લો થઈ જાય તેવું ચિત્ર પણ જોવા મળી રહ્યું છે. 18 ઈંચ જેટલા વરસાદથી ઘી ડેમમાં 20 ફૂટ જેટલું પાણી સંગ્રહિત થઈ ગયાની બાબત પણ ઐતિહાસિક મનાય છે.

ગતરાત્રે ભાણવડ તાલુકામાં પણ 7 મી.મી. વરસાદ સાથે કુલ સાડા 27 ઈંચ (689 મી.મી.) વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકા તાલુકામાં મોસમનો કુલ સાડા 32 ઈંચ (812 મી.મી.) અને કલ્યાણપુર તાલુકામાં મોસમનો કુલ સાડા 43 ઈંચ (1076 મી.મી.) વરસાદ નોંધાયો છે. આમ, એકંદરે જિલ્લામાં નદી-નાળા તરબતર હોય, પાક પાણીની પરિસ્થિતિ સારી છે. ખંભાળિયા સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

મોરબીમાં કાલે રાત્રે 9:45એ એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારે પવનને વીજળીના કડાકાને ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું ને એક કલાકમાં મોરબી શહેર અને ગ્રામ્યમાં દોઢ ઇંચ, માળિયા (મી)માં દોઢ ઇંચ, વાંકાનેરમાં 29મીમી, ટંકારા 2 ઇંચ સહિતનો વરસાદ વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *