હળવદના ચરાડવામાં ખાનગી વીજપોલના વિરોધમાં સભા, ભાજપને પ્રવેશબંધી જાહેર

હળવદ તાલુકાના ચરાડવા ગામે ખાનગી કંપની દ્વારા ઉભા કરાયેલા વિજપોલના મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વિજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ગામના ચોકમાં ખેડૂતોની…

હળવદ તાલુકાના ચરાડવા ગામે ખાનગી કંપની દ્વારા ઉભા કરાયેલા વિજપોલના મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વિજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ગામના ચોકમાં ખેડૂતોની વિશાળ સભા યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ રીતે ઉપસ્થિત રહી લડતને સમર્થન આપ્યું હતું.સભા દરમિયાન 2027ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ગામમાં પ્રવેશબંધી દર્શાવતા બેનરો લગાવવામાં આવતા રાજકીય માહોલ પણ ગરમાયો હતો. ખેડૂતોનો આક્રોશ માત્ર વિજપોલ પૂરતો સીમિત ન રહેતા હવે ચૂંટણીના રાજકારણ સુધી પહોંચ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.વળતરનો પ્રશ્ન ઉકેલો, નહીં તો ચૂંટણીમાં જવાબ મળશે ખેડૂતોનો આક્રોશ.

ખેડૂતોનું કહેવું છે કે ખાનગી કંપનીના વિજપોલ અને વીજ લાઇન માટે જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. વર્ષોથી ચાલતી વળતરની લડાઈમાં તંત્ર અને કંપની સામે ખેડૂતોમાં નારાજગી વધી રહી છે. ચરાડવા ગામે યોજાયેલી સભામાં ખેડૂતોએ એકસૂરથી વળતરની માંગ ઉઠાવી હતી અને ખેડૂતોના હક્કોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી ચૂંટણીમાં રાજકીય રીતે જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.મોરબી જિલ્લામાં 60થી વધુ ગામોમાં પ્રવેશબંધીના બેનરોનો દાવો વિજપોલના વળતરના મુદ્દે મોરબી જિલ્લામાં અનેક ગામોમાં ખેડૂતોમાં અસંતોષ હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ 60થી વધુ ગામોમાં ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધી દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે. ચરાડવામાં યોજાયેલી સભા બાદ હવે આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

ખાનગી કંપનીના વિજપોલ સામે ખેડૂતોની લડત આગામી દિવસોમાં કઈ દિશા લે છે અને સરકાર-તંત્ર ખેડૂતોની માંગ અંગે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.ખેડૂતોના વળતરનો મુદ્દો હવે માત્ર જમીનનો નહીં, પરંતુ આગામી ચૂંટણીમાં રાજકીય પડકાર બની રહ્યો હોવાના સંકેતો ચરાડવા ગામની સભામાંથી સ્પષ્ટ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *