ધર્મ અને શિવલિંગની રક્ષા માટે શૂરવીરોએ આપેલા બલિદાનની ગાથા સાથે જોડાયેલ તીર્થ: શ્રાવણ માસમાં શિવભક્તિનો મહોત્સવ જામશે
રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી તથા શ્રી ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટી વલ્લભભાઈ ઝાપડિયાએ પાંચાળ ભૂમિના પવિત્ર ધામ શ્રી ઘેલા સોમનાથ મંદિરની ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા વિષે જણાવતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની પવિત્ર પાંચાળ ભૂમિ માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાં ધરબાયેલા ઇતિહાસ, શૌર્ય, ભક્તિ અને બલિદાનની અમર ગાથાઓ માટે પણ જાણીતી છે. જસદણ અને વીંછિયા વચ્ચે, ઠાંગા-મદાવા નજીક ઉન્મત ગંગા તરીકે ઓળખાતી ઘેલો નદીના કિનારે બિરાજમાન શ્રી ઘેલા સોમનાથ મહાદેવનું પવિત્ર ધામ આ ગૌરવશાળી પરંપરાનું જીવંત પ્રતીક છે.
સમય બદલાયો, પેઢીઓ બદલાઈ, પરંતુ ઘેલા સોમનાથ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા આજે પણ અડીખમ છે. શ્રાવણ માસ દરમિયાન આ પવિત્ર ધામમાં વિશેષ ધાર્મિક માહોલ સર્જાય છે અને દૂરદૂરથી શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે એક માસ સુધી ચાલનારા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ પ્રભુ ઘેલા સોમનાથની ભવ્ય પાલખી યાત્રા યોજાશે. મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ, શાસ્ત્રોક્ત વિધિથી રુદ્રી પાઠ અને રુદ્રાભિષેક, સાંજે હરિનામ સંકીર્તન તથા ભજન મંડળીઓ દ્વારા શિવ આરાધનાના કાર્યક્રમો યોજાશે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અને શિવભક્તો માટે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભોજન પ્રસાદ તથા મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી તથા રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી વલ્લભભાઈ ઝાપડિયા દ્વારા દ્વારા સમગ્ર ધર્મપ્રેમી જનતા અને શિવભક્તોને આ પવિત્ર અવસરે પધારી પૂજા-પાઠ, આરતી અને દિવ્ય દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
સોમનાથની રક્ષા અને શિવલિંગની પવિત્ર યાત્રા
ઘેલા સોમનાથ સાથે જોડાયેલી લોકપ્રચલિત પરંપરા અનુસાર મધ્યકાલીન સમયમાં સોમનાથ મંદિર પર ફરી આક્રમણનો ભય ઊભો થયો હતો. જૂનાગઢના ચુડાસમા રાજવંશ સાથે જોડાયેલી રાજક્ધયા મીનળદેવી ભગવાન સોમનાથની પરમ ભક્ત હતી. ભગવાન શંકર પ્રત્યેની તેમની અખંડ શ્રદ્ધા અને સોમનાથ મંદિર પ્રત્યેનો ભાવ અતૂટ હતો. આક્રમણનો ભય વધતાં શિવલિંગની સુરક્ષા માટે તેને સુરક્ષિત સ્થળે લઈ જવાનો નિર્ણય લેવાયો હોવાની માન્યતા છે. શિવલિંગને પાલખીમાં પધરાવવામાં આવ્યું અને નંદી મહારાજ આગળ માર્ગદર્શક બન્યા હોય તેમ આ પવિત્ર યાત્રા આગળ વધી.આ યાત્રા દરમિયાન આક્રમણકારોના સૈન્ય સાથે સંઘર્ષ થયો હોવાનું લોકવર્તમાનમાં કહેવાય છે. શિવલિંગની રક્ષા માટે અનેક રાજપૂત અને ક્ષત્રિય શૂરવીરોએ પોતાના પ્રાણોની પરવા કર્યા વિના યુદ્ધ કર્યું. આ સંઘર્ષમાં હમીરજી ગોહિલ સહિત અનેક વીર યોદ્ધાઓના શૌર્ય અને બલિદાનની ગાથા સૌરાષ્ટ્રની લોકસ્મૃતિમાં આજે પણ જીવંત છે. પાંચાળ પ્રદેશમાં પહોંચ્યા બાદ શિવલિંગ માટે સુરક્ષિત અને અનુકૂળ સ્થળની પસંદગી કરવામાં આવી અને ત્યાં તેની સ્થાપના કરવામાં આવી હોવાની લોકમાન્યતા છે. સમય જતાં આ પવિત્ર સ્થાન ‘ઘેલા સોમનાથ’ તરીકે પ્રસિદ્ધ બન્યું.
ઘેલા વાણિયાના શૌર્યથી ‘ઘેલો’ નદીની અમર ઓળખ
ઘેલા સોમનાથની ગાથા સાથે વીર ઘેલા વાણિયા અથવા ઘેલા ગોરડિયાના અદમ્ય શૌર્યની લોકકથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે શિવલિંગની રક્ષા માટે થયેલા ભીષણ સંઘર્ષમાં ઘેલા ગોરડિયાએ અપ્રતિમ વીરતા દાખવી હતી અને લડતાં-લડતાં નદીકિનારે વીરગતિ પામ્યા હતા. તેમના અમર બલિદાનની સ્મૃતિમાં આ નદીનું નામ ‘ઘેલો’ પડ્યું હોવાની લોકમાન્યતા છે.
