ભાજપે અનેક પૂર્વ કોર્પોરેટરોને ઘેર બેસાડી દીધા, 50 નવા ચહેરાઓને સ્થાન, બેનાં વોર્ડ બદલાયા
રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકના ભાજપના ઉમેદવારોની યાદી લાંબા સસ્પેન્સ બાદ ગઈકાલે મોડી સાંજે જાહેર કરવામાં આવી હતી અને ગત ટર્મના 68 કોર્પોરેટર્સ પૈકી પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન જયમીન ઠાકર, સુરેન્દ્રસિંહ વાળા, ભાનુબેન બાબરીયા, ડો.દર્શિતાબેન શાહ, દેવાંગ માંકડ, નેહલ શુકલ, વિનુ ધવા, પુષ્કર પટેલ સહિતના 46ના પત્તા કપાયા છે જ્યારે 22ને રિપીટ કરાયા છે તો હિરેન ખીમાણીયા તથા મિતલબેન લાઠીયાના વોર્ડ બદલાયા છે. ત્રણ પૂર્વ કોર્પોરેટરો રાજુભાઈ અઘેરા, અંજનાબેન મોરજરીયા તથા અશ્ર્વિન ભોરાણીયાને ટિકીટ અપાઈ છે. પૂર્વ કોર્પોરેટર જીતુ કટોડીયાને બદલે તેના પત્નીને ટિકીટ આપી છે. તો ખુન કેસમાં જામીન ઉપર છુટેલા મૌલીક પરમારને વોર્ડ નં.15માં ટિકીટ અપાઈ છે.
ભાજપે આ વખતે 72 બેઠકો ઉપર 50 નવા ચહેરાને તક આપી છે અને 22ને રીપીટ કર્યા છે. ટિકીટની લાઈનમાં રહેલા અનેક નેતાઓના સંતાનોને પણ ભાજપે ટિકીટ આપી નથી. આજે બપોરે વિજય મુહૂર્તમાં ભાજપના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો ભર્યા હતાં. ત્યારે કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) એ રાજકોટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવતી ઉમેદવારોની યાદી અંતિમ ઘડીએ જાહેર કરી દીધી છે. કુલ 18 વોર્ડના 72 ઉમેદવારોની આ યાદી ફોર્મ ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલાં પ્રકાશિત કરવામાં આવી છે. આ યાદીમાં પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડક સહિતના ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ મહાનગરપાલિકાના હોદ્દેદારોને પડતા મૂકવામાં આવ્યા છે, જે ભાજપની નો-રીપીટ થિયરીનો સ્પષ્ટ સંકેત આપે છે.
પૂર્વ મેયર નૈના પેઢળિયા, વોર્ડ નંબર બે ના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, અને દંડકને ટિકિટ ફાળવવામાં આવી નથી. જયમીન ઠાકરના નામને લઈને ભૂતકાળમાં અનેક વિવાદો અને ફરિયાદો થઈ હતી, જે કદાચ તેમના પત્તુ કપાવાનું એક કારણ હોઈ શકે છે. આનાથી વિપરીત, રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને વોર્ડ નંબર ત્રણમાંથી રિપીટ કરવામાં આવ્યા છે. પૂર્વ મેયર પ્રદીપ ડવને પણ રિપીટ કરાયા છે, કારણ કે તેઓ ગત ટર્મમાં પાંચ વર્ષ મેયર રહી ચૂક્યા છે.
વોર્ડ નંબર 18 માં ભાજપ માટે મુશ્કેલ મનાતા સંજયસિંહ રાણા અને ભારતીબેન પરસાણાને રિપીટ કરવામાં આવ્યા છે, સાથે જ દક્ષાબેન વાઘેલા અને સંજય સાગઠિયાના નામો પર પણ મહોર મારવામાં આવી છે. યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન ઉપપ્રમુખ કિશન ટીલવાને વોર્ડ નંબર 12 માંથી ટિકિટ મળી છે, જે યુવા ચહેરાને તક આપવાના સંકેત આપે છે. વોર્ડ નંબર 13 માં અઇટઙ અને યુવા મોર્ચાના કાર્યકર્તા મોહિતસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે, જેમાં સંઘના પ્રભાવની ચર્ચા છે. વોર્ડ નંબર 14 માં કેતન પટેલને રિપીટ કરાયા છે.
ભાજપે અનેક મોટા નામોના પત્તા કાપીને નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. વર્ષોથી વોર્ડ નંબર સાતમાં પ્રભુત્વ ધરાવતા શુક્લ પરિવાર, જેમાં કશ્યપ શુક્લ અને નેહલ શુક્લનો સમાવેશ થાય છે, તેમને ટિકિટ આપવામાં આવી નથી. તેની જગ્યાએ શિક્ષણવિદ્ શૈલેષભાઈ જાનીને તક મળી છે. આંતરિક ખેંચતાણ છતાં પાર્ટીએ એક સંતુલિત યાદી જાહેર કરી છે, જેમાં અનુભવી અને યુવા નેતાઓનું મિશ્રણ જોવા મળે છે. ઉમેદવારો હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે ભાજપ કાર્યાલય ખાતે તૈયારીઓ કરી રહ્યા છે.
નીતિન રામાણી અને હેમુ પરમારના સમર્થકોની મોડી રાત્રે કમલમમાં બઘડાટી
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ શહેર ભાજપમાં ભડકો થયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કાપી નાખવામાં આવતા મામલો બિચક્યો હતો. પક્ષના નિર્ણયથી નારાજ રામાણીના સમર્થકોએ ભાજપ કાર્યાલય ’કમલમ’ ખાતે હલ્લાબોલ કરી જોરદાર વિરોધ પ્રદર્શન કરતા મોડી સાંજ સુધી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જો કે, મોડી રાત્રે નીતિન રામાણી ફરી પાર્ટી લાઈનમાં આવી ગયા હતાં અને ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય પ્રમુખને પત્ર લખી વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. બીજી તરફ વોર્ડ નં.3માં હેમુ પરમારને ટિકીટ નહીં મળતાં તેના સમથકોએપણ ભાજપ કાર્યાલયે બઘડાટી બોલાવી હતી.
ભાજપ દ્વારા વોર્ડ નંબર 13 માટે પંકજ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, સોનલબેન સેલારા અને માધવીબેન બદ્રકીયાના નામ જાહેર કરાયા છે. આ જાહેરાત બાદ નવા ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડીને ખુશી મનાવી હતી. જોકે, આ જશ્ન લાંબો સમય ટક્યો નહીં, કારણ કે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીના સમર્થકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. નીતિન રામાણીને પડતા મૂકીને તેમના સ્થાને પંકજ લુણાગરિયાને ટિકિટ આપવાના નિર્ણયને કાર્યકરોએ અન્યાય ગણાવ્યો હતો. ટિકિટ કપાતા જ નીતિન રામાણી 50થી વધુ સમર્થકોના કાફલા સાથે શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પહોંચ્યા હતા. સમર્થકોએ પક્ષ વિરોધી સૂત્રોચ્ચાર ટાળીને નીતિનભાઈના સમર્થનમાં હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવી આખું કાર્યાલય માથે લીધું હતું.
ભાજપના ગઢ ગણાતા કાર્યાલયમાં અચાનક થયેલા આ હલ્લાબોલથી નેતાઓ અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. સ્થિતિ વણસતી જોઈને ભાજપના સીનિયર નેતા પુષ્કર પટેલ તાત્કાલિક મેદાનમાં આવ્યા હતા. તેમણે ઉશ્કેરાયેલા કાર્યકરોને શાંત પાડી નીતિન રામાણીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પક્ષના ટોચના નેતાઓ શહેર પ્રમુખ ડો. માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને પુષ્કર પટેલની હાજરીમાં નીતિન રામાણી સાથે 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન પક્ષના મોવડીમંડળે રામાણીને પક્ષના શિસ્ત અને ભવિષ્યની જવાબદારીઓની ખાતરી આપી શાંત પાડ્યા હતા. જોકે, નીતિન રામાણીએ હાલ પૂરતી પોતાની નારાજગી સંકેલી લીધી હોય તેમ જણાય છે, પરંતુ તેમના સમર્થકોમાં રહેલો છૂપો રોષ આગામી ચૂંટણીમાં મતદાન પર કેવી અસર કરશે તે જોવું રહ્યું.
