સોનીબજારમાં આગની ઘટના બાદ મેયર નેહલ શુક્લે ડેપ્યુટી કમિશનર, સિટી ઇજનેર, ટીપી અને ફાયર બ્રિગેડના અધિકારીઓની મીટિંગ બોલાવી
સોનીબજાર ઉપરાંત રૈયા નાકા ટાવર, બેડીનાકા ટાવર, પરા બજાર, દાણાપીઠ, કંસારા બજાર સહિતના વિસ્તારોમાં તોળાતા પગલાં
રાજકોટનો એક એવો વિશાળ વિસ્તાર કે જ્યા આગ કે અન્ય કોઇ દૂઘર્ટના સર્જાય ત્યારે તમામ યાંત્રિક સાધનો ટુંકા પડે છે એવા સોની બજારના ગિચ વિસ્તારમાં બે દિવસ પહેલા એક બિલ્ડીંગમાં લાગી હતી અને ગેસનો બાટલો બ્લાસ્ટ થતા આગ વિકરાળ બની હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી પણ લાલબતી સમાન આ ઘટનાને લઇને ભવિષ્યની સલામતી માટે કયા પ્રકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરી શકાય તે દિશામા કાયમી પ્લાનીંગ કરવા મેયર ડો.નેહલ શુક્લે મનપાના ડેપ્યુટી કમિશનર, સિટી ઇજનેર, ફાયર અને ટીપી શાખાના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. એ દરમિયાન મેયરે જાહેર સલામતી માટે એક હાર્ડ નિર્ણય લીધો હતો. મેયરે આદેશ કર્યો છે કે, જે બિલ્ડીંગમાં ફાયર એન.ઓ.સી. ન હોય ત્યા નિયમ મુજબ ફાયર સેફ્ટી ન લગાવાય ત્યા સુધી બિલ્ડીંગ સીલ કરી દેવુ. આ ઉપરાંત ગેરકાયદે બાંધકામ થયુ હોય તેને પણ સીલ કરી દેવા માટે મેયરે આદેશ કર્યો છે.
રાજકોટની સોની બજારમાં બનેલી આગની ઘટના બાદ આજે મેયર ડો. નેહલ શુકલે સેન્ટ્રલ ઝોનના ડે. કમિશનર, ઇજનેર અને ટીપીશાખાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સોની બજાર જેવા ગિચ વિસ્તારમાં લાગેલી આગની ઘટનામાં મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાની નબળી કામગીરી ખુલી હતી. આ બેઠકમાં પાંચેય પદાધિકારીઓ અને સોની બજારના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. બેઠકમાં ફાયર બ્રિગેડ દ્વારા જુના રાજકોટના ગીચ વિસ્તારમાં ફાયર સેફ્ટિ અને એન.ઓ.સી. માટે કામગીરી કરી ન હોવાનું ખુલ્યું હતું. જ્યારે ટીપી શાખાએ બાંધકામ અંગે નોટિસ આપી હતી. ત્યારે મેયર ડો. નેહલ શુકલે સોની બજાર સહિતના ગીચ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગની મંજૂરી વગર કરાયેલા બાંધકામો અને ફાયર એનઓસી વગરના કોમર્શિયલ એકમો સીલ કરવાનો આદેશ ર્ક્યો હતો.
આ અંગે વાતચિત કરતા મેયર ડો. નેહલ શુકલે કહ્યું હતું કે,સોની બજાર જેવા ગીચ વિસ્તારોમાં અનેક કોમર્શિયલ બાંધકામો ટીપી શાખાના કમ્પલિશન વગરના હોવાનું ખુલ્યું છે. આવી જ રીતે અનેક બાંધકામોમાં ફાયર સેફ્ટિ કે ફાયર એનઓસી પણ નથી. આવા તમામ કોમર્શિયલ બાંધકામો સીલ કરવા માટે આદેશ અપાયો છે. મેયર ડો. નેહલ શુકલના મતવિસ્તાર આ વોર્ડમાં આવેલા જુના રાજકોટના સોની બજાર, રૈયા નાકા ટાવર, બેડીનાકા ટાવર, પરા બજાર, દાણાપીઠ સહિતના ગીચ વિસ્તારોમાં અવાર નવાર બનતી આગની ઘટનાઓ કાયમ ચર્ચામાં રહે છે. કાયમ ગિચ વિસ્તારમાં આગની ઘટના દરમિયાન ફાયર બ્રિગેડને સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેવો બચાવ કરીને ફાયર બ્રિગેડ શાખા જવાબદારીમાંથી હાથ ખંખેરી લે છે.
આવી પરિસ્થિતિમાં ફાયર સેફટી સંબંધિત કાયદા અને નિયમો જેમ કે, એનબીસી પાર્ટ-4 લાઇફ એન્ડ ફાયર સેફ્ટિ ગુજરાત સરકારના વર્ષ-2023ના ગેઝેટ તથા શેડ્યુલ-3 મુજબની જોગવાઈઓ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તેમજ આવા વિસ્તારોમાં જરૂૂરી ફાયર સેફટી સાધનો ઉપલબ્ધ રાખી ફાયર એનઓસીની પ્રક્રિયા વધુ સુદ્રઢ બને તે હેતુસર મેયર ડો. નેહલ શુક્લની અધ્યક્ષતામાં આજે મહાનગરપાલિકા કચેરી ખાતે સોની સમાજના મુખ્ય આગેવાન તથા રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના ડે કમિશનર એચ.આર. પટેલ, સિટી ઇજનેર અતુલ રાવલ, કોટક તેમજ ઇન્ચાર્જ ચિફ ફાયર ઓફિસર અમીત દવે એટીપી હેતલબેન સોરઠિયા સહિતના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તા.28 મેના રોજ રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલ દિયા ગોલ્ડ પોલિશિંગ નામના એકમમાં આગ લાગવાની ઘટના બની હતી. સદનસીબે જાનહાની થઇ ન હતી. પણ આ ઘટનાના અનુસંધાને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સ્થળની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મિલકતના બાંધકામ અને ઉપયોગ અંગે જરૂૂરી દસ્તાવેજોની ચકાસણી કરવાની આવશ્યકતા જણાતા સંબંધિત મિલકતધારક-સંચાલકને નોટિસ પાઠવવામાં આવી છે.
મેયરના જ વિસ્તારમાં ચાર માળનું ગેરકાયદે બાંધકામ આઠ મહિના બંધ રહ્યા બાદ રાતોરાત પૂરૂ થઈ ગયું !
મેયર ડો.નેહલ શુક્લે ગિચ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સીલ કરી દેવા માટે કડક આદેશ કર્યો છે ત્યારે સોનીબજારને અડીને જ તેમના જ મતવિસ્તાર એવા કોઠારિયા નાકા ચોકમાં ‘પ્રોટેકશન મનિ’ની ઓથે ચાર માળનો ગેરકાયદે માચડો ઉભો થઇ ગયો તેનુ શું? આ મહાકાય બિલ્ડીંગને ખુદ મનપાની જ ટીપી શાખાએ 260(2) એટલે કે ડિમોલિશનની આખરી નોટિસ આપી તોડવા માટે નિર્ણય કર્યો હતો. પરંતુ ચૂંટણી સમયે ભગવાન જાણે કે શું ગોઠવણ થઇ ગઇ કે, આઠ મહિના સુધી અટકેલો આ તોતીંગ માચડો રાતોરાત હેમખેમ પુરો થઇ ગયો!
