અમદાવાદમાં ગેરકાયદેસર હુક્કાબાર ઉપર SMCના દરોડા

સિંધુભવન રોડ, થલતેજ અને એલીસ બ્રીજ વિસ્તારમાં ચાલતા હાઇ પ્રોફાઇલ હુક્કાબારના સંચાલકો દરોડામાં ફરાર ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે ગૃહ વિભાગ કટિબદ્ધ બન્યું…

સિંધુભવન રોડ, થલતેજ અને એલીસ બ્રીજ વિસ્તારમાં ચાલતા હાઇ પ્રોફાઇલ હુક્કાબારના સંચાલકો દરોડામાં ફરાર

ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે ગૃહ વિભાગ કટિબદ્ધ બન્યું છે. તેવામાં અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર ધમધમતા હાઈ પ્રોફાઇલ હુક્કાબારો વિરૂૂદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી અને આયોજનબદ્ધ કાર્યવાહી હાથ ધરી દરોડા પડતા નબીરાઓમાં નાશભાગ મચી ગઈ હતી. અમદાવાદના સિંધુભવન રોડ, થલતેજ અને અલીસબ્રીજ વિસતારના હાઈપ્રોફાઈલ અને પોશ ગણાતા વિસ્તારોમાં મોડી રાત્રે એસએમસીની ટીમોએ આકસ્મિક દરોડા પાડતા જ હુક્કાબાર સંચાલકો અને નશાની મહેફિલ માણતા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે અમદાવાદના હાઈપ્રોફાઈલ વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને અને પ્રતિબંધિત ફ્લેવર્સ સાથેના હુક્કાબાર ધમધમી રહ્યા છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઓપરેશનને સંપૂર્ણપણે ગુપ્ત રાખવા માટે કુલ 6 અલગ-અલગ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી હતી. આ તમામ ટીમોએ એક જ સમયે, એકસાથે નક્કી કરેલા ટાર્ગેટ પર દરોડા પાડવાની વ્યુહરચના અપનાવી હતી જેથી કોઈ સંચાલક ભાગી ન શકે કે પુરાવાનો નાશ ન કરી શકે.

એસએમસીની ટીમોએ અમદાવાદના સૌથી વ્યસ્ત અને યુવાનોના હબ ગણાતા સિંધુભવન રોડ ઉપર કાફે અને રેસ્ટોરન્ટ્સના ગઢ ગણાતા આ રોડ પર આવેલા હુક્કાબારો પર ટીમે તપાત હાથ ધરી હતી. અન્ય ટીમોએ થલતેજ વિસ્તારમાં અને એલીસબ્રીજ વિસ્તારમાં ઉપરાંત અમદાવાદના મધ્ય અને પશ્ચિમ અમદાવાદને જોડતા આ વિસ્તારમાં પણ શંકાસ્પદ સ્થળોએ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

દરોડા દરમિયાન એસએમસીની ટીમે માત્ર હુક્કાના સાધનો જ જપ્ત નથી કર્યા, પરંતુ ત્યાં પીરસવામાં આવતા કેમિકલ અને ફ્લેવર્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કાયદાકીય રીતે હર્બલ હુક્કાની આડમાં અનેક જગ્યાએ પ્રતિબંધિત નિકોટીન યુક્ત કેમિકલ ફ્લેવરનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. એસએમસીની ટીમે સ્થળ પરથી મળેલા વિવિધ ફ્લેવરના સેમ્પલ લીધા છે અને તેની સઘન તપાસ શરૂૂ કરી છે. આ ફ્લેવર્સમાં નિકોટીન કે અન્ય કોઈ નશાકારક દ્રવ્યોની હાજરી છે કે નહીં તે સ્પષ્ટ કરવા માટે આગામી સમયમાં સેમ્પલ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

એસએમસીની આ ઓચિંતી એક્શનના કારણે સમગ્ર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક સ્થળોએ કલાકો સુધી સર્ચ ઓપરેશન અને પૂછપરછની પ્રક્રિયા લંબાઈ હતી. પોલીસ દ્વારા હુક્કાબારના લાયસન્સ, સીસીટીવી ફૂટેજ તેમજ ગ્રાહકોના રજિસ્ટરની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. હાલમાં એસએમસીની ટીમ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલ અને અટકાયત કરાયેલા શંકાસ્પદો અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા ગતિમાં છે. આગામી દિવસોમાં આ મામલે અનેક મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *