પોલીસ માટે ‘પોલીસી’ બદલી: વેલ્ફર ફંડમાં વધારો, અનેક લાભકારી ફેરફાર

બે કરતા વધુ સંતાનો હશે તો પણ તમામ લાભ મળશે, બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખ સુધીની લોન મળશે ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ…

બે કરતા વધુ સંતાનો હશે તો પણ તમામ લાભ મળશે, બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખ સુધીની લોન મળશે

ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી મધ્યસ્થ પોલીસ વેલ્ફેર ફંડ મોનીટરીંગ કમિટીની બેઠકમાં અનેક સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયો રાજ્યભરના હજારો પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોને સીધો લાભ પહોંચાડશે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે હવે બે કરતાં વધુ બાળકો ધરાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ વેલ્ફેર ફંડ હેઠળ મળતા તમામ લાભો આપવામાં આવશે. હવે એક દિવસનો વેલ્ફેર ફાળો કપાઈ તમામ પ્રકારની સહાય અને લોન માટે તેઓ પણ પાત્ર બનશે.

પોલીસ પરિવારના રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સ સ્કોલરશિપ યોજનામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેનાર ખેલાડીઓને સ્કોલરશિપ આપવામાં આવતી હતી, જેમાં હવે યોગાસન સ્પર્ધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી યોગ ક્ષેત્રે પ્રતિભા ધરાવતા પોલીસ પરિવારના સભ્યોને નવી તક મળશે. શિક્ષણ ક્ષેત્રે પણ પોલીસ કર્મચારીઓ માટે વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. હવે માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય યુનિવર્સિટી અથવા કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.10 લાખ સુધીની લોન મળશે, જ્યારે વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક કર્મચારીઓ અથવા તેમના સંતાનોને રૂ.15 લાખ સુધીની લોન આપવામાં આવશે. સાથે જ ઉચ્ચ અભ્યાસ લોન માટેની વાર્ષિક મર્યાદા રૂ.5 કરોડથી વધારી રૂ.10 કરોડ કરવામાં આવી છે.

કર્મચારીઓ માટે નિશ્ર્ચિત રકમની મર્યાદામાં હેલ્થ ચેકઅપ કરાવાશે
પોલીસ કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપતા દર વર્ષે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. દરેક કર્મચારી માટે નિશ્ચિત મર્યાદામાં મેડિકલ ચેકઅપની સુવિધા ઉપલબ્ધ કરાશે અને તેનું ડિજિટલ રેકોર્ડ પણ જાળવવામાં આવશે. ઉપરાંત દરેક જિલ્લા અને યુનિટમાં એક અધિકારીને હેલ્થ મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવશે. પોલીસ વેલ્ફેર અંતર્ગત સંચાલિત બાળમંદિર અને બાળસંભાળ કેન્દ્રોમાં કાર્યરત આયા બહેનોના વેતનમાં સમાનતા લાવવાનો નિર્ણય પણ કમિટીએ કર્યો છે. આ પગલાંથી બંને વિભાગોમાં કામ કરતી મહિલાઓને સમાન લાભ અને વેતન મળી શકશે.

લગ્ન માટેની લોનની મર્યાદા 1.5થી વધારી 5 લાખ રૂપિયા થઈ
લગ્ન પ્રસંગે આર્થિક સહાય મેળવતા પોલીસ કર્મચારીઓ માટે પણ મોટી રાહત આપવામાં આવી છે. અત્યાર સુધી સંતાન અથવા પોતાના લગ્ન માટે રૂ.1.50 લાખ સુધીની લોન મળતી હતી, જે હવે વધારીને રૂ.5 લાખ સુધી કરવામાં આવી છે. વધતી મોંઘવારી અને લગ્ન ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *