દાહોદના ભાટીવાડા ગામે આવેલ પ્લાન્ટમાં મોડી રાત્રે લાગેલી ભેદી આગમાં 95 ટકા સાધનો ખાખ
વિવાદના કારણે અસામાજિક તત્વોએ આગ લગાડ્યાની શંકા
દાહોદના ભાટીવાડામાં બની રહેલા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)ના 70 મેગા વોટના પાવર પ્લાન્ટમાં ગત રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા રૂા. 400 કરોડથી વધારેનો માલસામાન સળગી ગયો છે. આ આગમાં સોલાર પેનલો, ટ્રાન્સફોર્મર, કેબલ સહિતનો મોટો જથ્થો ખાખ થઈ ગયો છે. પ્લાન્ટમાં રહેલા 95 ટકા સામાન સળગી જવા પામેલ છે.
સરકારી સાહસ એનટીપીસીના આ પાવર પ્લાન્ટમાં કોઈ અસામાજીક તત્વોએ આગ લગાડી હોવાની શંકાના આધારે તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
આગ લાગવાની સૂચના મળતાNTPCના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા, જો કે આગ એટલી ભયાનક હતી કે તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ ગયો.
દાહોદ અને આસપાસના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. આગ ઓલવાઈ રહી છે પણ સામગ્રી એવી છે કે ફરીથી તણખા નીકળવા લાગ્યા છે જેના કારણે તેને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે. પ્લાન્ટના 95 ટકા સાધનો બળીને રાખ થઈ ગયા છે. અન્ય કેટલીક જગ્યાએથી પણ ફાયર બ્રિગેડના વાહનો બોલાવવામાં આવ્યા છે પરંતુ આગ હજુ પણ ભડકી રહી છે. તે જ સમયે, એવી આશંકા છે કે આ આગ અસામાજિક તત્વો દ્વારા લગાવવામાં આવી હતી. નજીકના ગામના કેટલાક લોકોએ સોલાર પ્લાન્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો
અને વારંવાર તેમાં અવરોધો ઉભા કરી રહ્યા હતા. જોકે, પોલીસના આગમન બાદ મામલો થાળે પડ્યો હતો. સોમવારે દિવસ દરમિયાન પ્લાન્ટ પર પથ્થરમારો પણ થયો હતો. પથ્થરબાજોના ફોટા સીસીટીવીમાં કેદ થયા હતા. પથ્થરમારામાં પ્લાન્ટના કામદારો પણ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આગ લાગવાના કારણની તપાસ શરૂૂ કરી છે.
ડીએસપી ડો. રાજદીપ સિંહ ઝાલા સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.NTPC એ 4 એપ્રિલથી 18 એપ્રિલ સુધી પોલીસ દળની હાજરીમાં ફેન્સીંગનું કામ હાથ ધર્યું. બે દિવસ પહેલા લોકોએ વિરોધ કર્યો ત્યારે કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પછી, સોમવારથી કામ શરૂૂ કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે સોમવારે કામ શરૂૂ થયું ત્યારે ગામનો એક વ્યક્તિ મોટરસાયકલ પર આવ્યો અને જો કામ બંધ નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવાની ધમકી આપવા લાગ્યો. તે ગામના પાંચ-સાત લોકોને પોતાની સાથે લાવ્યો અને પથ્થરમારો શરૂૂ કર્યો.