ગુજરાતની કૃષિ બજાર વ્યવસ્થામાં મોટા બદલાવની શરૂૂઆત થાય તેવો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યની 224 માર્કેટ યાર્ડ એટલે કે APMC માટે સરકાર હવે બાંધકામ અને માળખાકીય વિકાસ માટે રૂૂ. 10 કરોડની સહાય આપશે. અગાઉAPMC ને રૂૂ. 5 કરોડની સહાય આપવામાં આવતી હતી, જેમાં રૂૂ. 5 કરોડનો સીધો વધારો કરીને સહાયને બમણી કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે રાજ્યભરની કૃષિ બજાર સમિતિઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ મહત્વનો નિર્ણય ગાંધીનગરમાં યોજાયેલી બેઠક દરમિયાન જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે APMC ખેડૂતો અને ખેતી આધારિત અર્થતંત્રની કરોડરજ્જુ છે. જેથી બજાર યાર્ડમાં આધુનિક સુવિધાઓ, ગોડાઉન, હરાજી શેડ, રસ્તા અને અન્ય આવશ્યક માળખા માટે પૂરતા ભંડોળની જરૂૂર છે. સરકાર આ જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને સહાયમાં વધારો કરી રહી છે. ગુજરાત નિયંત્રણ બજાર સંઘના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ખાસ કરીને નાની અને મધ્યમAPMC ને મોટો ફાયદો થશે. અત્યાર સુધી નાણાકીય મર્યાદાને કારણે અનેક બજાર યાર્ડોમાં વિકાસ કામો અટક્યા હતા. હવે રૂૂ. 10 કરોડની સહાય મળવાથી બાંધકામના મોટા પ્રોજેક્ટો હાથ ધરવા શક્ય બનશે, જેનો સીધો લાભ ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને મળશે.
બેઠક બાદ ગુજરાત નિયંત્રણ બજાર સંઘના ચેરમેન જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર સાથે લાંબા સમયથી APMC ને શેષ આપવા અંગે ચર્ચા ચાલી રહી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે સરકાર હકારાત્મક હોવાનું સ્પષ્ટ કર્યું છે અને આગામી દિવસોમાં આ બાબતે સ્પષ્ટ નિર્ણય લેવામાં આવશે. તેમણે ઉમેર્યું કેAPMC ના કર્મચારીઓને સરકાર હસ્તક ગણાવવા અંગેનો મુદ્દો પણ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. જેનાથી કર્મચારીઓના ભવિષ્યને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતા દૂર થવાની શક્યતા છે.
