રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચારી બનેલા ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજ્યા હતાં. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા ટીઆરપી ગેઈમ ઝોનના મેનેજર નિતિન લોઢા 25 દિવસ પૂર્વે જ જામીન મુકત થતાં પોતાના વતન રાજસ્થાન ચાલ્યો ગયો હતો. જ્યાં ગઈકાલે નિતીન લોઢાનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં નાનામવા મેઈન રોડ પર મોકાજી સર્કલ નજીક ટીઆરપી ગેઈમ ઝોનમાં દોઢ વર્ષ પૂર્વે આગ ભભૂકી ઉઠતાં નાના બાળકો સહિત 27 લોકો જીવતા ભુંજાયા હતાં. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા ગેઈમ ઝોનના સંચાલકો, જમીન માલીક અને કોર્પોરેશનના અધિકારીઓ સહિત 16 શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંના એક આરોપીનું અગ્નિકાંડમાં જ મોત નિપજતાં પોલીસ દ્વારા 15 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. જેલ હવાલે રહેલા ટીઆરપી ગેઈમ ઝોનના મેનેજર નિતીન મહાવીરપ્રસાદ લોઢા (ઉ.43)ને ગત તા.21નાં રોજ રાજકોટ સેશન્સ કોર્ટે જામીન મુકત કર્યો હતો. જામીન મુકત થતાં જ નિતીન લોઢા પોતાના વતન રાજસ્થાનના ભીમ ગામે જતો રહ્યો હતો. જ્યાં ગઈકાલે તેને હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. મૃતક નિતીન લોઢાને સંતાનમાં એક પુત્રી છે અને ટીઆરપી ગેઈમ ઝોનમાં તે ગ્રેવેટી નામે કાફે ચલાવતો હતો. પરંતુ તપાસમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાનું ખુલ્યું હતું.
આ ઉપરાંત અન્ય બનાવમાં રાજનગર ચોક પાસે આવેલ જયશક્તિ સોસાયટીમાં રહેતાં રંજનબેન મનસુખભાઈ સારેસા (ઉ.55) અને 150 ફુટ રીંગ રોડ પર પુનિતનગરમાં રહેતાં રસિકભાઈ નરશીભાઈ ભીમાણી (ઉ.50) પોત પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં પ્રૌઢા અને આધેડનું મોત નિપજતાં બન્ને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
