યાજ્ઞિક રોડ પર હોટલના બોર્ડ લગાવવા મામલે સંચાલક પર હુમલો કરી ગળુ કાપવાની ધમકી

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી એક હોટલના બોર્ડ લગાવવા અને ગ્રાહકો ખેંચવા બાબતે ચાલી રહેલા જૂના મનદુ:ખમાં એક હોટલ સંચાલક પર હુમલો થયાની ઘટના સામે…

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી એક હોટલના બોર્ડ લગાવવા અને ગ્રાહકો ખેંચવા બાબતે ચાલી રહેલા જૂના મનદુ:ખમાં એક હોટલ સંચાલક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત તા. 07/05ના રોજ બપોરના આશરે 4:00 વાગ્યે યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ ’સ્ટાર વુડ’ માં આ ઘટના બની હતી. 80 ફૂટ રિંગ રોડ મટુકી રેસ્ટોરન્ટ નજીક રહેતા હોટલ સંચાલક સંજયભાઈ વલ્લભભાઈ વેકરીયાએ આ મામલે ભગવતીપરામાં રહેતા મુર્તુઝા ભારમલ નામના શખ્સ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગતો મુજબ, ફરિયાદી સંજયભાઈ જ્યારે પોતાની હોટલ ’સ્ટાર વુડ’ પર હાજર હતા, ત્યારે નીચે આવેલી અન્ય એક હોટલ ’યાજ્ઞિક ઇન’ ના સંચાલક નવીનભાઈ ભાનુશાલીનો ફોન આવ્યો હતો. તેઓએ હોટલના નામનું બોર્ડ લગાવવા બાબતે વાત કરવા માટે સંજયભાઈને નીચે બોલાવ્યા હતા, પરંતુ સંજયભાઈ નીચે ગયા નહોતા. ત્યારબાદ થોડી જ વારમાં નવીનભાઈના ભાગીદાર મુર્તુઝા ભારમલ હોટલમાં ધસી આવ્યા હતા અને “તારે શું કરવાનું છે” તેમ કહી ફરિયાદીને જોરથી ધક્કો માર્યો હતો. આ ધક્કાને કારણે ફરિયાદી ટેબલ સાથે ભટકાયા હતા અને તેમને મૂઢ ઈજાઓ પહોંચી હતી. આ હુમલા દરમિયાન આરોપી મુર્તુઝાએ ફરિયાદીને જાહેરમાં ગાળો આપી હતી અને ઘરમાં આવીને મારવાની ધમકી પણ આપી હતી.

હોટલના મેનેજર નીલેશભાઈએ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને અન્ય લોકો પણ એકઠા થઈ જતાં આરોપીને બહાર લઈ જવામાં આવ્યો હતો. જોકે, બહાર જતી વખતે પણ આરોપીએ ઉશ્કેરાઈને ફરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને જતાં-જતાં એવી ધમકી આપી હતી કે “અહીંયા દેખાતો નહીં, નહીંતર તારું ગળું કાપી નાખીશ”.

આશરે એકાદ વર્ષથી બોર્ડ રાખવા અને ગ્રાહકોની બાબતે ચાલતા વિવાદને કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. હાલમાં એ-ડિવિઝન પોલીસના સબ ઇન્સ્પેક્ટર ભૌતિક સાવલિયા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *