ચોટીલામાં 11 વર્ષ પૂર્વે થયેલી હત્યામાં સંડોવાયેલ એક શખ્સ છેલ્લા 11 વર્ષથી ફરાર હોય તેને સ્ટેટમોનીટરીંગ ટીમે રાજસ્થાનના કુંડલી ગામમાંથી ઝડપી લીધો હતો. 11 વર્ષથી વોન્ટેડ આ શખ્સ રાજસ્થાનમાં મજુરી કામ કરતો હતો. એસએમસીએ તેને ઝડપી લઈ ચોટીલા પોલીસ હવાલે કર્યો છે.
મળતી વિગતો મુજબ ચોટીલામાં વર્ષ 2014માં બનેલ હત્યાના બનાવમાં રાયોટીંગ તેમજ હત્યા અંગેનો ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં અગાઉ હત્યામાં સંડોવાયેલા કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ હત્યા કેસનો આરોપી જયંતિ ગટુ માનત ઉ.વ.19 જે તે વખતે ફરાર થઈ ગયો હતો.
છેલ્લા 11 વર્ષથી હત્યાના ગુનામાં જયંતિ ગટુ ફરાર હતો દરમિયાન સ્ટેટમોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડીવાયએસપી કે.ટી. કામરિયા અને તેની ટીમ નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી હોય તેમાં ચોટીલાનો હત્યા કેસનો આરોપી જયંતિ અંગેની તપાસ કરતા તે રાજસ્થાનમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે પીઆઈ ટી.પી. ભ્રમભટ અને તેમની ટીમે રાજસ્થાનના ડુંગરપુરમાંથી જયંતિની ધરપકડ કરી તેને ચોટીલા પોલીસ હવાલે કર્યો હતો.