રાજકોટમાં બનેલી ઘટના: ચાર માસ પૂર્વે કૂતરાં અને કબૂતરાં ભરી થાન લઇ જવાની ના પાડતા ડખ્ખો થયો’તો
રાજકોટમાં ચાર માસ પૂર્વે રિક્ષામાં કુતરા અને કબૂતર ભરીને થાન જવાની ના પાડતા રીક્ષા ચાલક સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી રીક્ષા ચાલક ઉપર સ્કૂટર ચાલકે એસિડ એટેક કર્યો હતો. રીક્ષા ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતા મહેશભાઈ ભુપતભાઈ અગ્રાવત નામના 50 વર્ષના આધેડ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાની રીક્ષા લઈને મવડીથી આનંદ બંગલા ચોક તરફ જઈ રહ્યા હતા ત્યારે વિશ્વેશ્વર શાકમાર્કેટ પાસે પહોંચતા સ્કુટરમાં ધસી આવેલા ભીખા નૈયા નામના શખ્સે એસીડ એટેક કર્યો હતો. મહેશભાઈ અગ્રાવતને સારવાર માટે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પ્રાથમિક પૂછપરછમાં એસીડ એટેક કરનારને ચાર મહિના પૂર્વે કુતરા અને કબૂતરને થાન લઈ જવા હતા પરંતુ રીક્ષા ચાલક મહેશભાઈ અગ્રાવતે ભાડું કરવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જે ઝઘડાનો ખાર રાખી એસિડ એટેક કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
