શહેરના ભક્તિનગર ઉદ્યોગનગર વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે 3.80 લાખના દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં મોટામવા વિસ્તારમાં ફલેટમાં દરોડો પાડી 58 હજારના દારૂ સાથે મહિલાની ધરપકડ કરી હતી.
ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ઉદ્યોગનગર શેરી નંબર 03 માં સરકારી આઈ.ટી.આઈ. ની સામે જાહેર રોડ પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પી.સી.બી.ની ટીમે દરોડો પાડી મનીષ ગીરીશભાઈ પાંઉ (ઉંમર 28, રહે. ગાંધીગ્રામ) ને 14 બ્લુ કલરના કેરબાઓ સાથે ઝડપી લીધો હતો. તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની કુલ 108 બોટલો રૂા.3,75,648 અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂા.3,80,648 નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.
જ્યારે બીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચની ટીમે મોટામવા વિસ્તારમાં દરોડો પાડી નમ્રતાબેન જીતેન્દ્રભાઈ ભંભાણીને તેના મકાનમાંથી 58 હજારની કિંમતની 36 બોટલ દારૂ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
