એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એ.એન.ટી.એફ.) રાજકોટ ઝોન, જુનાગઢ વિંગ, સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમ વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી 4.033 કિલો ગેરકાયદેસર ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આરોપી જુવાનસિંહ દીપસિંહ જાડેજા (ઉંમર 51 વર્ષ), રહે. ગાડુકા, તા.-જી. જામનગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી અંદાજે રૂૂ. 2,01,650 કિંમતનો 4.033 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત એક મોબાઇલ ફોન, ડિજિટલ વજન કાંટો, પ્લાસ્ટિકનો ડબ્બો તથા પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા ઝભલાં સહિત કુલ રૂૂ. 2,07,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. અધિનિયમ-1985ની કલમ 8(સી) તથા 20(બી)(2)(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશન, જામનગરને સોંપવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી એ.એન.ટી.એફ. રાજકોટ ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. બારોટ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
