રાજકોટ નજીક ત્રિપલ અકસ્માતમાં માતા-પુત્ર-પુત્રી સહિત 5ના મોત

બેકાબુ ટેન્કરે ટ્રકને ઠોકર માર્યા બાદ ઇકો કારનો ખુરદો બોલાવી દેતા ગમખ્વાર અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા…

બેકાબુ ટેન્કરે ટ્રકને ઠોકર માર્યા બાદ ઇકો કારનો ખુરદો બોલાવી દેતા ગમખ્વાર અકસ્માત

રાજકોટ-અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટ નજીક આવેલા કુચિયાદડ ગામ પાસે રોંગસાઇડમાં ઘસી આવેલા ગેસના ટેન્કરે ટ્રકને ઠોકર મારતા ટ્રક ત્યાથી પસાર થઇ રહેલી ઇકો કાર પર ખાબક્યોે હતો. જે ત્રિપલ અકસ્માતમાં કુચિયાદડ ગામે કારખાનામાં કામ કરી પરત ફરતા મોટી મોલડીના નવ લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા માતા-પુત્ર અને પુત્રી સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જયારે ચાર લોકોને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોટી મોલડી ગામે એક સાથે પાંચ લોકોની અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યુ હતું.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા ધુનાબેન દિનેશભાઈ ડાભી ઉ.વ.25, લાભુબેન વિનુભાઈ મેઘાણી ઉ.વ.55 અને તેમની પુત્રી વિલાશબેન વિનુભાઈ મેઘાણી ઉ.વ.22, રમેશભાઈ ગગજીભાઈ ડાભી, લીલાબેન ગગજીભાઈ ડાભી, પુરીબેન દિનેશભાઈ ડાભી, શ્રદ્ધાબેન દિનેશભાઈ ડાભી અને પ્રકાશભાઈ સહિતના ઈકો કારમાં બેસી કુચિયાદડથી મોટી મોલડી તરફ જઈ રહ્યા હતા ત્યારે બેટી રામપર ગામ નજીક ઈકો કાર, ભારત પેટ્રોલિયમના ટેન્કર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટેન્કરના કેબીનનો અને ઈકો કારનો બુકડો બોલી ગયો હતો. ઈકો કારમાં સવાર ધુનાબેન ડાભી, લાભુબેન મેઘાણી અને વિલાસબેન મેઘાણીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. ઘટનાને પગલે ઈકો સવાર લોકોએ ચચિયારી કરી મુક્તા રોડ ગુંજી ઉઠયો હતો.

ઘટનાને પગલે વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા તાત્કાલીક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ અને એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહનોને કેઈનની મદદથી સાઈડમાં કરી ટ્રાફિકજામ હળવો કરવામાં આવ્યો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા રમેશભાઈ ગગજીભાઈ ડાભી, લીલાબેન ગગજીભાઈ ડાભી, પુરીબેન દિનેશભાઈ ડાભી, શ્રદ્ધાબેન દિનેશભાઈ ડાભી અને પ્રકાશભાઈ વિનુભાઇ મેઘાણીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ગંભીર રીતે ઘવાયેલા પ્રકારભાઇ મેઘાણી (ઉ.વ.30) અને ભાવીશાબેન રમેશભાઇ ડાભી (ઉ.વ.18)નું મોત નીપજ્યુ હતું.

પ્રાથમિક પુછપરછમાં અકસ્માતમાં મોતને ભેટેલા અને ગંભીર રીતે ઘવાયેલા લોકો મુળ મોટી મોલડી ગામના વતની હતી. અને રાજકોટની ભાગોળે આવેલા કુચિયાદળ ગામે જીઆઈડીસીમાં આવેલા બેગના કારખાનામાં નોકરી કરતા હતાં. મોટી મોલડી ગામના બન્ને પરિવારો નોકરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બેટી રામપર પાસે રોંગસાઇડમાં ધસી આવેલા ભારત પેટ્રોલિયમના ટેન્કરે ટ્રકને અડફેટે લેતા ટ્રક ત્યાથી પસાર થઇ રહેલી ઇકો કાર પર ખાબકતા સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં મોટી મોલડી ગામના બે પરિવારના માતા-પુત્ર-પુત્રી સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા.

વધુ વિગતો મુજબ મૃતક પ્રકાશ મેઘાણી કારખાનામાં કામ કરે છે અને સાથોસાથ મોટી મોલડી ગામથી કુચિયાદડ ગામે કારખાનામાં કામે આવતા મજૂરોના ઇકો કારમાં ફેરા કરતો હતો. પ્રકાશ મેઘાણી રામામંડળમાં રામાપીરના પાત્ર સહિત અનેક પાત્ર ભજવતો હતો અને બે ભાઇ બે બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. જયારે ભાવિશાબેન ડાભી એક ભાઇ પાંચ બહેનમાં નાની હોવાનુ જાણવા મળ્યુ છે.મોટી મોલડી ગામે એક સાથે પાંચ લોકોની અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યુ હતું. આ બનાવ અંગે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *