પતિ-પુત્રને મારી નાખવાની ધમકી આપી 4 વર્ષ સુધી પરિણીતા પર દુષ્કર્મ, નરાધમ ઝડપાયો

રાજકોટના રેલનગર વિસ્તારમાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાને તેના જ પાડોશમાં રહેતા એક રિક્ષાચાલકે છેલ્લા ચાર વર્ષથી…

રાજકોટના રેલનગર વિસ્તારમાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાને તેના જ પાડોશમાં રહેતા એક રિક્ષાચાલકે છેલ્લા ચાર વર્ષથી બંધક બનાવીને તેનું સતત શારીરિક શોષણ કર્યું હતું. આરોપીએ પીડિતાના પતિ અને માસૂમ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને મૌન રહેવા મજબૂર કરી હતી. અંતે, અસહ્ય ત્રાસથી કંટાળીને પીડિતાએ સમગ્ર આપવીતી પોતાના પતિને જણાવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પ્ર.નગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.

પીડિત મહિલા રેલનગર વિસ્તારમાં રહે છે અને તેના પતિ એક હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કાર્યરત છે.ચાર વર્ષ પહેલાં પડોશમાં રહેતા અમિત ઘાવરી નામના રિક્ષાચાલક સાથે પીડિતાનો સંપર્ક થયો હતો. શરૂઆતમાં સામાન્ય પાડોશી તરીકે વાતચીત કર્યા બાદ, આરોપીએ ચતુરાઈથી મહિલાનો ફોન નંબર મેળવી લીધો હતો. તે સતત પીડિતાના પતિની નોકરીના સમય પર નજર રાખતો હતો. જ્યારે તેનો પતિ નોકરી પર ગયો અને મહિલા ઘરમાં એકલી હતી, ત્યારે તકનો લાભ ઉઠાવી આરોપી ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો કે તે કોઈને કહી દેશે, ત્યારે આરોપીએ તેના પતિ અને માસૂમ પુત્રને પતાવી દેવાની ધમકી આપીને તેને ડરાવી દીધી હતી.

આરોપીની ધમકી એટલી ભયાનક હતી કે પીડિતાએ પરિવારની સુરક્ષા ખાતર આ વાત કોઈને કરી નહોતી. અમિત આ જ બાબતનો ફાયદો ઉઠાવીને જ્યારે પણ પતિ નોકરી પર બહાર જાય, ત્યારે ધમકીના જોરે મહિલાના ઘરે જઈને તેનું શારીરિક તેમજ માનસિક શોષણ કરતો હતો. આ ચાર વર્ષનો સમય મહિલા માટે નરકાગાર સમાન હતો. આરોપી પરિવારને મારી નાખવાની બીક બતાવીને તેને ડરાવતો રહ્યો. અંતે, જ્યારે સહનશક્તિની તમામ હદો વટાઈ ગઈ અને ત્રાસ અસહ્ય બન્યો, ત્યારે પીડિતાએ હિંમત ભેગી કરીને પોતાના પતિને આ ઘટના વિશે વિગતવાર જાણ કરી હતી.

પત્ની પાસેથી સત્ય જાણીને પતિ ચોંકી ઉઠ્યો હતો. તેણે તુરંત જ પત્નીને સાથ આપીને ન્યાય મેળવવા માટે પોલીસનો આશરો લીધો હતો. બંને પતિ-પત્ની પ્ર.નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી અમિત ઘાવરી વિરુદ્ધ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ ડી.એમ. ગજેરા અને તેમની ટીમ દ્વારા ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને સકંજામાં લઈ લેવામાં આવ્યો હતો. આરોપી પોતે પણ પરિણીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *