સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડ

શહેરના વાણિયાવાડી મેઇન રોડ પર આવેલા જલારામ ચોક ખાતે બનેલા હત્યાના બનાવમાં મુખ્ય આરોપીને મદદગારી કરનાર અને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભીલવાસના શખ્સને ભક્તિનગર પોલીસે…

શહેરના વાણિયાવાડી મેઇન રોડ પર આવેલા જલારામ ચોક ખાતે બનેલા હત્યાના બનાવમાં મુખ્ય આરોપીને મદદગારી કરનાર અને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભીલવાસના શખ્સને ભક્તિનગર પોલીસે કૂવાડવા નજીકથી દબોચી લીધો છે.

મળતી વિગતો અનુસાર, સહકાર રોડ પર રહેતા ધનશ્યામસિંહ અનોપસિંહ વાઘેલા (ઉંમર વર્ષ 40) ગત શનિવારે વાણિયાવાડી મેઇન રોડ પર આવેલા જલારામ ચોક પાસે હાજર હતા. તે દરમિયાન તેમના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ અચાનક ધસી આવીને તેમની પર આડેધડ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં ધનશ્યામસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે, ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે તેમનું કરૂૂણ મોત નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટના અંગે મૃતકના પિતા અનોપસિંહ વાઘેલાની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. ગુનો આચર્યા બાદ નાસી છૂટેલા મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહને પોલીસે લીંબડી પાસેથી ઝડપી પાડીને જેલહવાલે કર્યો હતો. મુખ્ય આરોપીની પૂછપરછ અને બનાવ સ્થળની તપાસ દરમિયાન પોલીસને માલૂમ પડ્યું હતું કે આ હત્યામાં અન્ય એક વ્યક્તિની પણ સક્રિય મદદગારી હતી. ભીલવાસ શેરી નંબર 2 માં રહેતો આનંદ ખીમજી પરમાર નામનો શખ્સ ઘટના બાદ પોલીસ પકડથી બચવા ઉજ્જૈન ભાગી છૂટ્યો હતો. ભક્તિનગર પોલીસને બાતમી મળી હતી કે આરોપી આનંદ પરમાર ઉજ્જૈનથી પરત ફરીને કૂવાડવા વિસ્તારમાં આવ્યો છે જેના આધારે તેને કૂવાડવા પાસેથી ઝડપી પાડ્યો હતો.

ભક્તિનગર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, હત્યાના દિવસે સવારે જ આરોપી આનંદ પરમાર અને મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ બાઇક પર નીકળીને મૃતક ધનશ્યામસિંહના ઘરની આસપાસ રેકી કરવા ગયા હતા. બાદ માં સાંજના સમયે ધર્મેન્દ્રસિંહ પોતાની કારમાં બેઠો હતો, જ્યારે આનંદ પરમાર ધનશ્યામસિંહ પાસે ગયો હતો અને કહ્યું કે, “ધનુભા તમે?” મૃતકે હા પાડતા જ આનંદે કહ્યું કે, “ચાલોને, ઓલો તમને બોલાવે છે. આ બહાને આનંદે મૃતક ધનશ્યામસિંહને હત્યારા પાસે લઈ ગયો હતો. મૃતક કાર નજીક પહોંચતા જ અંદર બેઠેલા ધર્મેન્દ્રસિંહે નીચે ઉતરીને અચાનક છરીના તીક્ષ્ણ ઘા ઝીંકી દીધા હતા. પોલીસે હાલ મદદગારી કરનાર આરોપી આનંદ પરમારની વિધિવત અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *