સોના પર વ્યાજમુક્ત લોન અપાવવાના બહાને મિત્રની ત્રણ મિત્રો સાથે રૂ.12.80 લાખની ઠગાઈ

દાઉદી વોરા સમાજના જ મિત્રોનું 341 ગ્રામ સોનું ભેગું કરી લોન લીધા વિના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાનો આક્ષેપ રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા બેડીપરા…

દાઉદી વોરા સમાજના જ મિત્રોનું 341 ગ્રામ સોનું ભેગું કરી લોન લીધા વિના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાનો આક્ષેપ

રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા બેડીપરા ચોરા પાસે ગ્રીન લેન્ડ ચોકડી નજીક એક ચોંકાવનારી છેતરપિંડીની ઘટના સામે આવી છે. દાઉદી વોરા સમાજમાંથી સોના ઉપર વગર વ્યાજની લોન અપાવવાના બહાને એક યુવાને પોતાના જ મિત્રો સાથે વિશ્વાસઘાત કરી આશરે રૂૂ. 12.80 લાખની કિંમતનું સોનું પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે રાજકોટ શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 316(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હેડ કોન્સ્ટેબલ નિરેનભાઈ આહીરે આ મામલે કાયદેસરની તપાસ શરૂૂ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, રાજકોટના સદર બજારમાં ઓર્બિટ કોમ્પ્લેક્સ સામે રહેતા અને ’ન્યૂ સ્ટાર ટ્રેડર્સ’ નામે વેસ્ટ પેપરનો વેપાર કરતા 22 વર્ષીય હુસેનભાઈ જેનુદ્દીન ભારમલે ભગવતી પરા વિસ્તારમાં આવેલા સમન્વય હાઇટ્સના ફ્લેટ નંબર 602માં રહેતા જુજર શકીલભાઈ દલાલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી હુસેનભાઈને વેપાર માટે નાણાંની જરૂૂરિયાત હતી, પરંતુ તેમના નામે અન્ય લોન ચાલુ હોવાથી સમાજમાંથી નવી લોન મળે તેમ નહોતી. આથી તેમના જૂના મિત્ર જુજર દલાલના નામે કોઈ લોન ચાલુ ન હોવાથી, તેના નામે સમાજમાંથી વગર વ્યાજની લોન મેળવવાનું નક્કી કરાયું હતું. આ યોજનામાં ફરિયાદી ઉપરાંત તેમના અન્ય મિત્રો અબ્દેલી મુર્તુજાભાઈ બારભાયા અને નજમુદ્દીન સબીરભાઈ હડીયાણા વાળા પણ જોડાયા હતા અને ચારેય જણાએ ભેગા મળીને કુલ રૂૂ. 40 લાખની લોન લેવાનું આયોજન કર્યું હતું.

ત્યારબાદ 4 નવેમ્બર 2025ના રોજ સોની પાસે વેલ્યુએશન કરાવીને બે અલગ-અલગ પેકેટમાં કુલ 341.070 ગ્રામ ફાઇન સોનું એકઠું કરીને લોનની પ્રક્રિયા માટે જુજર દલાલને સોંપવામાં આવ્યું હતું. જુજરે આ સોનું જ્ઞાતિની સંસ્થામાં જમા કરાવવાને બદલે જ્ઞાતિના આગેવાન શેખ હુસેન સજાઉદીન સાઇવાલા (જનાબ આમીલ સાહેબ) પાસે ગીરવે મૂકી દીધું હતું અને તેમાંથી રૂૂ. 31,00,000/- ની લોન પોતે ઉપાડી લીધી હતી. તેમાંથી જુજરે અબ્દેલીને રૂૂ. 10 લાખ પરત આપ્યા હતા અને નજમુદ્દીનને રૂૂ. 2 લાખ આપ્યા બાદ તે પણ પરત લઈ લીધા હતા. પરંતુ ફરિયાદી હુસેનભાઈનું આશરે રૂૂ. 10 લાખનું સોનું અને નજમુદ્દીનનું રૂૂ. 2.80 લાખનું સોનું મળીને કુલ રૂૂ. 12,80,000/- ની કિંમતનું સોનું કે લોનની રકમ પરત આપી નહોતી.

મિત્રોને છેતરીને જુજર દલાલ પોતાનો મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે સમાજના આગેવાનો સાથે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં આખરે ગઈકાલે 14 ઓક્ટોબર 2026ના રોજ બી-ડીવીઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *